Tesla in india : ભારતમાં ક્યારે શરૂ થશે ટેસ્લાનો પહેલો શોરૂમ? સામે આવી ગઈ તારીખ
Tesla in india : એલોન મસ્કની ટેસ્લાએ ભારતમાં તેની એન્ટ્રી માટે પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીએ મુંબઈના પોશ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં પોતાના પ્રથમ શોરૂમ માટે ડીલ પુરી કરી છે.
અહેવાલો અનુસાર, ટેસ્લાનો આ શોરૂમ BKC ખાતે આવેલા એક કોમર્શિયલ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર 4,000 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્થાપિત થવાનો છે.

કંપનીએ BKC ખાતે પાંચ વર્ષની લીઝને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ટેસ્લા હવે દિલ્હીના એરોસિટીમાં તેના બીજા શોરૂમ માટે પણ કામ કરી રહી હોવાની માહિતી મળી રહી છે.
ટેસ્લાના ભારત પ્રવેશને લઈનો નિર્ણય એલોન મસ્ક અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી આવ્યો છે. મસ્કની અમેરિકા મુલાકાત દરમિયાન તે મોદીને મળ્યા હતા અને બે અઠવાડિયા બાદ જ BKC શોરૂમ માટે લીઝને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ટેસ્લાએ ભારતમાં 13 પદો માટે નોકરીની જાહેરાત પણ કરી છે, જે કંપનીના વિસ્તરણના સંકેત આપી રહી છે. એક અગાઉના અહેવાલ મુજબ, ટેસ્લા પ્રારંભમાં બર્લિનથી ઇલેક્ટ્રિક કાર આયાત કરીને ભારતના બજારમાં પ્રવેશ કરશે. કંપનીની પ્રાથમિક યોજના ભારતમાં $25,000 (લગભગ 20.8 લાખ રૂપિયા) થી ઓછી કિંમતે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે.
હાલમાં ટેસ્લાએ ભારતમાં ઉત્પાદન સંદર્ભે કોઈ સ્પષ્ટ પ્રતિબદ્ધતા જાહેર કરી નથી. જો કે ટેસ્લા ભારતમાં $1 બિલિયનથી વધુ મૂલ્યના ઓટોમોબાઇલ ઘટકોની ખરીદી કરી રહી છે. આગામી મહિનાઓમાં આ આંકડો નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે.
અમેરિકામાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારની કિંમત ફેક્ટરી સ્તરે $35,000 (લગભગ 30.4 લાખ રૂપિયા) થી શરૂ થાય છે. ટેસ્લા મોડેલ 3 હાલ કંપનીની સૌથી સસ્તી અને લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર છે. જો ટેસ્લા તેની ગાડીની કિંમત ઘટાડીને ભારતીય બજારમાં પ્રવેશ કરે તો ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં નવી ક્રાંતિ આવી શકે છે.
ટેસ્લાનો ભારતની ઇલેક્ટ્રિક વાહન બજારમાં પ્રવેશ મોટી ઘટના છે. તે ભારતના EV ઉદ્યોગ માટે એક નવી દિશા નિર્ધારિત કરી શકે છે. જો મસ્ક આગામી સમયમાં ભારતમાં ઉત્પાદન યુનિટ સ્થાપવાનું નક્કી કરે તો તેનો દેશની અર્થવ્યવસ્થા અને ઓટોમોબાઇલ ઉદ્યોગ પર સકારાત્મક પ્રભાવ પડશે.












Click it and Unblock the Notifications
