Allu Arjun Bail : અલ્લુ અર્જુનને જામીન મળ્યા, જાણો વચગાળાના જામીન અને રેગ્યુલર જામીનમાં શું ફરક?
Allu Arjun Bail : પુષ્પા 2 ના સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભાગદોડના કેસમાં અલ્લુ અર્જુનને કોર્ટે જામીન આપી દીધા છે. જો કે તે પહેલાથી જ વચગાળાના જામીન પર બહાર હતો.
કોર્ટે 50 હજારના રૂપિયાના બે જામીન રજૂ કરવા અને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાના આદેશ સાથે અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે.

અહીં તમને સવાલ થાય કે અલ્લુ અર્જુન પહેલાથી જ જામીન પર હતો તો નવા જામીન કેમ આપ્યા અને સામાન્ય જામીન અને વચગાળાના જામીન વચ્ચે શું અંતર છે?
વચગાળાના જામીન
ટૂંકા ગાળા માટે વચગાળાના જામીન આપવામાં આવે છે. રેગ્યુલર જામીન માટેની અરજી પેન્ડિંગ હોય ત્યારે આ જામીન આપવામાં આવે છે. વચગાળાના જામીન અમુક શરતો સાથે મંજૂર કરવામાં આવે છે, જે સંબંધિત વ્યક્તિએ પૂરી કરવી જરૂરી છે.
વચગાળાની જામીનની મુદત પૂરી થયા બાદ વોરંટ વગર પણ આરોપીની ધરપકડ કરી શકાય છે. જો કે કોર્ટ આ સમયગાળો પણ વધારી શકે છે. જ્યાં સુધી વચગાળાના જામીનની મુદત બાકી છે ત્યાં સુધી તેની ધરપકડ કરી શકાતી નથી.
રેગ્યુલર જામીન
રેગ્યુલર જામીન શરતી રીતે આપવામાં આવે છે. કોર્ટ કોઈપણ વ્યક્તિને એ હેતુથી મુક્ત કરે છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તે વ્યક્તિ કોર્ટમાં હાજર થશે. જ્યાં સુધી કેસ પેન્ડિંગ છે ત્યાં સુધી કોર્ટ દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કરવું જરૂરી હોય છે. આમાં કોઈપણ આરોપીની શરતી મુક્તિ છે. હવે અલ્લુ અર્જુનને આ રેગ્યુલર જામીન મળ્યા છે.
આગોતરા જામીન
વચગાળાના અને રેગ્યુલર જામીન ઉપરાંત આગોતરા જામીન પણ કોર્ટ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિને ગુનામાં ધરપકડની શંકા હોય ત્યારે તે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. કોર્ટ નક્કી કરે છે કે તેને આ જામીન આપવા કે નહીં. આ ધરપકડથી બચવા કરાય છે.
જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અલ્લુ અર્જુનને થોડા કલાકો પછી તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હતા. હવે નામપલ્લી કોર્ટે તેને આ કેસમાં રેગ્યુલર જામીન આપ્યા છે.












Click it and Unblock the Notifications
