
આ કારણો જાણ્યા પછી તમે પણ પોતાના પાર્ટનર સાથે રહેશો ઈમાનદાર
આજના સમયમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવુ સામાન્ય વાત બની ગઈ છે. કેટલાક લોકો તેને લેટેસ્ટ ટ્રેન્ડ માને છે અને તેથી તેમના જીવનને વધુ રોમાંચક બનાવવા માટે અન્ય વ્યક્તિ સાથે અફેર કરે છે. તેમને આમ કરવુ રોમાંચક લાગે છે. તમને શરૂઆતમાં સારુ લાગશ પરંતુ અંતે તમે તમારી જાતને દોષિત માનો છો. ક્યારેક આ અનિચ્છનીય સંબંધો તમારુ આખુ જીવન બરબાદ કરી દે છે. બીજી બાજુ, જો તમે તમારા સંબંધને સંપૂર્ણ પ્રમાણિકતા સાથે નિભાવો તો તમારા બંને વચ્ચેનુ બંધન રોજેરોજ વધુ મજબૂત બને છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારા જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવાના શું ફાયદા છે...

અતૂટ વિશ્વાસ કેળવે છે
કોઈપણ સંબંધમાં માત્ર પ્રેમ હોવો પૂરતો નથી પરંતુ બંને પાર્ટનર એકબીજા પર વિશ્વાસ અને સન્માન કરે તે પણ એટલુ જ જરૂરી છે. સામાન્ય રીતે તમે તમારા પાર્ટનરને વફાદાર હોવ તો જ તેનો વિશ્વાસ મેળવી શકો છો. બની શકે કે શરૂઆતમાં તમારો પાર્ટનર તમારા પર શંકા કરે પરંતુ જ્યારે તે દરેક વખતે પોતાની જાતને ખોટો માને છે, ત્યારે તે તમારામાં અતૂટ વિશ્વાસ કેળવે છે અને આનાથી સંબંધ ખુશહાલ થાય છે.

વધે છે પ્રેમ
સંબંધમાં પ્રામાણિક રહેવાથી વિશ્વાસ અને સન્માનની સાથે સાથે પ્રેમ પણ વધે છે. જ્યારે તમે તમારા પાર્ટનરને વફાદાર રહો અને તે આ વાતથી વાકેફ હોય છે ત્યારે તેને ક્યાંકને ક્યાંક ગર્વ થાય છે કે તેનો પાર્ટનર તેના પ્રત્યે વફાદાર છે. તે પણ તમને સમાન રીતે પ્રેમ કરવા લાગે છે. બીજી તરફ જો તમારુ અફેર હોય અને તમારા પાર્ટનરને તેની જાણ થાય તો તે તમને માફ કરી શકે છે પરંતુ તેના મનમાં હંમેશા એ વાત રહી જાય છે. કહેવાય છે કે એક વાર દોરો તૂટી જાય તો તેને જોડી તો શકાય છે પરંતુ તેમાં એક ગાંઠ રહી જાય છે. આવુ જ કંઈક સંબંધોમાં પણ થાય છે.

જૂઠ્ઠુ નથી બોલવુ પડતુ
જ્યારે કોઈ વ્યક્તિનુ કોઈની સાથે અફેર હોય છે ત્યારે તેને છુપાવવા માટે તેને જૂઠ બોલવુ પડે છે અને પછી તે પોતાનુ એક જૂઠ છુપાવવા માટે હજારો જૂઠ બોલતો જાય છે. આખરે તે તેમાં ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં તણાવ તેના જીવનમાં ક્યાંકને ક્યાંક પોતાનુ સ્થાન બનાવી લે છે. પરંતુ જો તમે તમારા પાર્ટનરને વફાદાર હોવ તો તમારે જૂઠ બોલવાની જરૂર નથી પડતી. તમારો પાર્ટનર ગમે તે પૂછે કે ચેક કરે તમે ટેન્શન ફ્રી રહેશો.

મળે છે પૂરો સમય
જ્યારે કોઈ વ્યક્તિ એક જ સમયે બે લોકો સાથે સંબંધમાં હોય ત્યારે તેણે બંનેને સમય આપવો પડે છે. ખાસ કરીને જેની સાથે તેનુ એક્સ્ટ્રા-મેરિટલ અફેર હોય તેને ખુશ રાખવુ તેની પ્રથમ પ્રાથમિકતા બની જાય છે. આવી સ્થિતિમાં તે પોતાના જીવનસાથી અને પરિવારના અન્ય સભ્યોને સમય આપી શકતો નથી. જેના કારણે એક્સ્ટ્રા મેરીટલ અફેરની અસર તેના અન્ય સંબંધો પર પણ પડે છે. આના કારણે વ્યક્તિનુ કામ પણ પ્રભાવિત થાય છે. પરંતુ જો તમે તમારા જીવનસાથી પ્રત્યે પ્રમાણિક હોય તો તમે તમારા કામ, તમારા પરિવાર અને તમારી જાતને પણ પૂરતો સમય આપી શકો છો. તો હવે તમે પણ તમારા જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવાનો પ્રયત્ન કરો અને એક્સ્ટ્રા મેરિટલ અફેર જેવી ગૂંચવણોથી દૂર રહીને તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણો.