Holi traditions : દર વર્ષે હોળી પર અહીં કરાવાય છે બે છોકરાઓના લગ્ન, જાણો ક્યાં જોવા મળે છે આ વિચિત્ર પ્રથા?
Holi traditions : હોળી એ ભારતભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાતા તહેવારોમાંનો એક છે, જે દરેક પ્રદેશમાં અલગ-અલગ પરંપરાઓ સાથે મનાવવામાં આવે છે.
રાજસ્થાનના મેવાડ ક્ષેત્રના બાંસવાડા જિલ્લાના બરોડિયા ગામમાં એક અનોખી પરંપરા જોવા છે, જ્યાં દર વર્ષે હોળીના અવસરે બે છોકરાઓના લગ્ન કરાવવામાં આવે છે. આ પરંપરા 600 વર્ષ જૂની છે અને ગામવાસીઓ માટે ભાઈચારા અને આનંદનું પ્રતીક છે.

હોળીની ચૌદસની રાત્રે ગામના વડાના નેતૃત્વમાં યુવાનો એકઠા થાય છે અને લગ્નની વિધિ શરૂ થાય છે. આ પરંપરાને સ્થાનિક ભાષામાં ગેરિયા કહેવાય છે. આ વિધિમાં ફક્ત તે જ છોકરાઓ ભાગ લઈ શકે છે જેમણે હજુ સુધી યજ્ઞોપવીત સંસ્કાર કરાવ્યા ન હોય.
પ્રથમ ગામના યુવાનો એક જુથ બનાવી લગ્ન માટે બે છોકરાઓની શોધ શરૂ કરે છે. જે છોકરો પહેલા મળી જાય તેને વર બનાવવામાં આવે છે અને મંદિરમાં ઓસરીમાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ બીજા છોકરાની શોધ કરવામાં આવે છે, જેને દુલ્હન તરીકે પસંદ કરવામાં આવે છે.
ગામના મંદિરમાં શણગારેલા મંડપમાં પંડિતો સંપૂર્ણ વિધિ સાથે લગ્ન કરાવે છે. બંને છોકરાઓ આગની સામે સાત ફેરા લે છે અને પરંપરાગત લગ્નના સાત વચનો આપે છે.
લગ્ન પૂર્ણ થયા પછી બીજા દિવસે નવદંપતીને બળદગાડામાં બેસાડી ગામની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ગામવાસીઓ તેમને આશીર્વાદ આપે છે અને ભેટો આપે છે. સમગ્ર ગામ રાતભર નૃત્ય, ગીત અને હાસ્યમય વાતચીત સાથે આ પરંપરાનો આનંદ માણે છે.
આ પરંપરાનું મૂળ ગામની ભૂતકાળની ઘટનાઓમાં છે. કહેવાય છે કે વર્ષો પહેલાં એક નાળાએ બરોડિયા ગામને બે ભાગમાં વહેંચી નાખ્યું હતું.
આ વિભાજનને દૂર કરવા અને પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે ગામના લોકોએ આ અનોખી પરંપરા શરૂ કરી, જેમાં બંને ભાગોના એક-એક છોકરાને પસંદ કરીને તેમનો લગ્ન સમારોહ યોજવામાં આવ્યો. ધીરે ધીરે આ પરંપરા હોળી તહેવાર સાથે જોડાઈ ગઈ અને આજે પણ તે ઊજવવામાં આવે છે.
આ અનોખી પરંપરા માત્ર મનોરંજન માટે જ નહીં પણ ગ્રામજનો વચ્ચેના પ્રેમ અને એકતાને મજબૂત બનાવવાનું કાર્ય પણ કરે છે. બરોડિયા ગામની આ પરંપરા એકદમ અનોખી અને રસપ્રદ છે, જે ભારતીય સંસ્કૃતિની વિવિધતાને ઉજાગર કરે છે.












Click it and Unblock the Notifications
