મળો ભારતના સૌથી અમીર વાળંદને, તેમની પાસે છે ભારતનું સૌથી મોટુ લક્ઝરી કાર કલેક્શન
આજ સુધી તમે દરેક પ્રકારના અમીર લોકોને જોયા હશે. બિઝનેસ કરીને અબજો રૂપિયાની સંપતિ બનાવનારા લોકોની વાતો સાંભળી હશે. જો કે તમે ક્યારેય એવુ નહીં સાંભળ્યુ હોય કે એક વાળંદ પાસે કરોડોની સંપતિ છે.
બેંગલુરુના રમેશ બાબુ દેશના સૌથી અમીર વાળંદ એટલે કે હેરડ્રેસર છે. લોકોના વાળ કાપી તે સંપત્તિના મામલામાં ફિલ્મ સ્ટાર્સ કરતાં પણ આગળ નીકળી ગયા છે. બેંગલુરુના રહેવાસી રમેશ બાબુને લોકો બિલિયોનેર બાર્બર કહીને બોલાવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે રમેશ બાબુ પાસે ભારતમાં લક્ઝરી કારનુ સૌથી મોટુ કલેક્શન છે. રમેશ બાબુ પાસે લગભગ 400 લક્ઝરી કાર છે, જેમાં રોલ્સ રોયસ, મર્સિડીઝ મેબેક, રેન્જ રોવર્સ અને બેન્ટલે જેવી મોંઘી કાર સામેલ છે.
અમીરોની જેમ રમેશ બાબુને તેમની સંપત્તિ વારસામાં નથી મળી. રમેશ બાબુના પિતા પી ગોપાલ બેંગલુરુમાં વાળંદ તરીકે કામ કરતા હતા. રમેશ બાબુ માત્ર 7 વર્ષના હતા ત્યારે રમેશ બાબુના પિતાનું અવસાન થયું. રમેશ બાબુના પિતાના અકાળે અવસાન પછી તેની માતા વાળંદની દુકાન ચલાવી ન શકતા દરરોજ 5 રૂપિયામાં ભાડે આપી દીધી. આ વાળંદની દુકાન બેંગલુરુના બ્રિજેડ રોડ પર હતી.
રમેશ બાબુની માતા તેમના પતિના આકસ્મિક અવસાન પછી આર્થિક રીતે બરબાદ થઈ ગઈ હતી. તેણીએ તેમના બાળકોના ભરણપોષણ માટે નોકરાણી તરીકે કામ કર્યું. રમેશ બાબુની માતા માંડ દર મહિને 40 થી 50 રૂપિયા કમાતી હતી.
માતાને ટેકો આપવા રમેશ બાબુએ અખબારો વેચવા સહિત વિવિધ નોકરીઓ કરીને પરિવારને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો. એક સમય એવો હતો જ્યારે રમેશ બાબુના પરિવાર પાસે યોગ્ય રીતે ખાવા માટે પૂરતા પૈસા નહોતા.
રમેશ બાબુ અને તેમનો પરિવાર દિવસમાં માત્ર એક જ વાર જમતો હતો. રમેશ બાબુએ વિવિધ નોકરીઓ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને દસમું ધોરણ પૂરું કર્યું.
દસમા ધોરણ પછી રમેશ બાબુએ તેમનું શિક્ષણ ચાલુ રાખવાને બદલે તેમના પિતાની દુકાન ચલાવવાનું નક્કી કર્યું. આ પછી રમેશ બાબુએ 1990ના દાયકામાં સલૂનનો વ્યવસાય શરૂ કર્યો અને ટૂંક સમયમાં જ તે સારી કમાણી કરવા લાગ્યા. વાળંદ રમેશ બાબુ કંઈક કરવા માંગતા હતા, તેથી તેમણે કાર ખરીદવાનું આયોજન કર્યું.
પછી રમેશ બાબુએ પૈસા બચાવવાનું શરૂ કર્યું. રમેશ બાબુએ તેમના સલૂનમાંથી થોડા પૈસા બચાવ્યા અને 1993 માં તેમના કાકાની મદદથી તેમની નાની બચત અને પોતાની મહેનતના પૈસાથી એક મારુતિ વાન કાર ખરીદી.
આ પછી રમેશ બાબુએ રમેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામથી કાર ભાડે આપવાનો અને સેલ્ફ-ડ્રાઈવનો વ્યવસાય શરૂ કર્યો. રમેશ બાબુને એક પરિવાર દ્વારા ઇન્ટેલ પાસેથી તેમની પહેલી બિઝનેસ ડીલ મળી. થોડા મહિનાઓ પછી રમેશ બાબુએ મર્સિડીઝ ઈ ક્લાસ સેડાન ખરીદી અને ભાડેથી લક્ઝરી કાર આપનાર શહેરમાં પ્રથમ વ્યક્તિ બન્યા.
આ પછી રમેશ બાબુએ BMW, Jaguar અને Bentley લક્ઝરી સેડાન જેવા અન્ય વાહનોની સાથે 3 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ઘોસ્ટ કાર ખરીદી. 2017માં રમેશ બાબુએ જ્યારે 2.6 કરોડની કિંમતની Maybach S600 ખરીદી ત્યારે તે ચર્ચામાં આવ્યા હતા.
વાળંદ હોવા સાથે રમેશ બાબુ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક છે અને 30 વર્ષથી વધુ સમયથી મોંઘી કારનો સંગ્રહ કરે છે. તે ઘણા વર્ષોથી લક્ઝરી કાર ભાડે આપી રહ્યા છે. આજે રમેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુમાં સફળતાપૂર્વક ચાલે છે. રમેશ બાબુ તેને દેશભરમાં અલગ-અલગ જગ્યાએ ખોલવા માંગે છે.
રમેશ બાબુના જણાવ્યા અનુસાર, તેમની કાર સેવાનો ઉપયોગ કરનાર સેલિબ્રિટીઓમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આમિર ખાન જેવા પ્રખ્યાત કલાકારો અને સચિન તેંડુલકર જેવા સ્પોર્ટ્સ સ્ટાર્સનો સમાવેશ થાય છે.
રમેશ બાબુ આજે પણ તેમના સલૂન Bowring Institute માં દરરોજ પાંચથી છ કલાક કામ કરે છે. રમેશ બાબુ વ્યક્તિગત રીતે તેમના નિયમિત ગ્રાહકોના વાળ ડિઝાઇન અને સ્ટાઇલ કરે છે. એક વ્યાવસાયિક વાળંદ તરીકે તે તેના મૂળને ક્યારેય ભુલવા તૈયાર નથી.












Click it and Unblock the Notifications
