GPSC Exam Cancel: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે DySO અને નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ
GPSC Recruitment 2024: ગુજરાતમાં હાલમાં સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદની આફત યથાવત છે. રાજ્ય જળબંબાકાર થઈ ગયું છે. ગુજરાત પર હજુ પણ મોટુ વરસાદી સંકટ તોળાઈ રહ્યુ છે. હવામાન વિભાગે આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
જેના પગલે આવતી કાલે 28 ઓગસ્ટ 2024 ઓગસ્ટે શરુ થતી નાયબ સેક્સન અધિકારીની લેખીત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. જોકે, પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ એક્સ ઉપર આજે મંગળવારે નોટિફિકેશન જાહેર કરીને પરીક્ષા રદ્દની માહિતી આપવામાં આવી હતી.

નોટિફિકેશન પ્રમાણે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરાત ક્રમાંક 42/2023-24, નાયબ સેક્શન અધિકારી-નાયબ મામલતદાર, વર્ગ-3ની તારીખ 28 ઓગસ્ટ 2024થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન પ્રસ્તાવિત મુખ્ય લેખિત પરીક્ષા રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદ અને તેના કારણે ઉદ્દભવેલ પરિસ્થિતિ તેમજ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા સદરહુ મુખ્ય લેખિત પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે.
મુખ્ય લેખિત પરીક્ષા માટેની નવી તારીખો સત્વરે આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ 2 અને વર્ગ 3ની બમ્પર ભરતી બહાર પાડી હતી. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની કુલ 127 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી.
નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં હતી. જેની પરીક્ષા 28 ઓગસ્ટ 2024થી 31 ઓગસ્ટ 2024 વચ્ચે યોજાવાની હતી.












Click it and Unblock the Notifications
