સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર, સરકારે ભરતી માટેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે (GAD) વર્ગ 3 ની ટેકનિકલ અને બિન-ટેકનિકલ ભરતી પરીક્ષાઓના ગુણભારમાં મોટો ફેરફાર કર્યો છે. 16 ડિસેમ્બરે જાહેર થયેલા નવા નોટિફિકેશન મુજબ, આ ફેરફાર આગામી તમામ ભરતીઓમાં લાગુ પડશે.

લાંબા સમયથી ચાલી રહેલી વર્ગ 3 ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની અટકળો પર GAD એ પૂર્ણવિરામ મૂકી દીધું છે. નવા નિયમ મુજબ હવે પ્રશ્નપત્રના ભાગ Aનું મહત્વ વધારીને ભાગ Bના ગુણમાં ઘટાડો કરાયો છે. પરિણામે કુલ પરીક્ષા 210 ગુણની રહેશે, જેથી ઉમેદવારોએ પોતાની અભ્યાસ રણનીતિ બદલવી પડશે.
નવી પરીક્ષા પદ્ધતિ હેઠળ, પેપરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ભાગ A, જે સામાન્ય જ્ઞાન અને તાર્કિક ક્ષમતા પર આધારિત છે, તેના ગુણ અગાઉના 60 થી વધારીને હવે 90 કરવામાં આવ્યા છે.
બીજી તરફ જે તે વિષયને લગતા ટેકનિકલ ભાગ B ના ગુણ અગાઉ 150 હતા, જે ઘટાડીને હવે 120 નક્કી કરાયા છે. સરકારનો મુખ્ય હેતુ આ ફેરફારો દ્વારા પરીક્ષાને વધુ તાર્કિક અને ઉમેદવારના જ્ઞાનનું યોગ્ય મૂલ્યાંકન કરવાનો છે, જેથી તે ઓછી કંટાળાજનક બને.
મહત્વપૂર્ણ છે કે માત્ર કુલ ગુણ મેળવવા પૂરતા નથી. ઉમેદવારે ભાગ A અને ભાગ B બંનેમાં અલગ અલગ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ પાસ કરવું ફરજિયાત છે. આખરી મેરીટ લિસ્ટ બંને ભાગમાં મેળવેલા કુલ ગુણના આધારે તૈયાર થશે.
જે ઉમેદવારો મેરીટમાં આવશે, તેમાંથી કુલ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી (Document Verification) માટે બોલાવવામાં આવશે. નવા માળખામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમની જોગવાઈ યથાવત રાખવામાં આવી છે.
MCQ પદ્ધતિમાં ખોટો જવાબ કે એકથી વધુ વિકલ્પ પસંદ કરવા બદલ 0.25 ગુણ કપાશે. પ્રશ્નનો જવાબ ન આપવા ઈચ્છતા ઉમેદવારોએ Not Attempted' (વિકલ્પ E) પસંદ કરવો, જેથી નેગેટિવ માર્કિંગ લાગુ નહીં પડે.
પરંતુ પ્રશ્ન ખાલી છોડવાથી 0.25 ગુણ કપાશે. પ્રતિક્ષા યાદી (Waiting List) માટે પણ સરકારના પ્રવર્તમાન અનામત અને બિન-અનામત કેટેગરીના નિયમો લાગુ પડશે. આ બદલાવોને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ હવેથી જ નવા માળખા મુજબ તૈયારી શરૂ કરી દેવી જોઈએ.












Click it and Unblock the Notifications
