301 સરકારી શાળામાં થશે આચાર્યની ભરતી, ગુજરાત સરકારે આપી મંજૂરી
Jobs in Gujarat: ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 આચાર્યની નવી 301 જગ્યાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં આચાર્યની જે જગ્યાઓ છે, તેમાં આ વધુ જગ્યાનો ઉમેરો થશે. નવી મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ માટે 25.43 કરોડ રૂપિયાના ખર્ચ માટે ગુજરાત સરકાર દ્વારા વહિવટી મંજૂરી આપી દેવાઈ છે.
નવી જગ્યાની મંજૂરી અંગેના સત્તાવાર પ્રસિદ્ધ થયેલા પરિપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય, તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ થઈ ગયેલી ગણાશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પોતાના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, આ મંજૂર થયેલી જગ્યાઓ 6 માસમાં ભરવા નાણા વિભાગ મારફત સ્થાયી સમિતિની મંજૂરી મેળવવાની રહેશે. આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યા હોય, તો તેને અગ્રીમતા આપવાની રહેશે.
ભરતી દરમિયાન ઉમેદવારો માટે ફરજિયાત કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ. આ તમામ જગ્યાઓમાં સાતમા પગારપંચ મુજબ 44,900-1,42,400 પે મેટ્રિક લેવલ-8 મુજબ રહેશે.
સીધી ભરતીથી નિમણૂક પામનારા ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણા વિભાગના 18-3-2005ના ઠરાવની જોગવાઈ પ્રમાણે સરકાર દ્વારા 1-4-2005થી દાખલ કરવામાં આવેલ નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવાશે.












Click it and Unblock the Notifications
