કલ્ટ ફિલ્મની સિક્વલ બનાવશે અનિલ કપૂર, ખરીદી લીધા રાઇટ્સ
બોલિવૂડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂરના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2001માં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચનારી ફિલ્મ 'નાયક: ધ રિયલ હીરો' (Nayak: The Real Hero) ની સીક્વલ બનવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, અનિલ કપૂરે પોતે આ ફિલ્મના રાઈટ્સ ખરીદી લીધા છે, જેનાથી હવે 'નાયક 2' બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

રાઈટ્સ ખરીદતા જ ચર્ચાઓ તેજ
'બોલિવૂડ હંગામા'ના રિપોર્ટ અનુસાર, અગાઉ આ ફિલ્મના કાયદેસરના અધિકારો 'સનમ તેરી કસમ'ના નિર્માતા દીપક મુકુટ પાસે હતા. જોકે, અનિલ કપૂરે તાજેતરમાં તેમની પાસેથી આ રાઈટ્સ હસ્તગત કરી લીધા છે. આ પગલા બાદ એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે અભિનેતા ટૂંક સમયમાં જ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
કેમ ખાસ છે 'નાયક'?
અનિલ કપૂર માટે 'નાયક' તેના કરિયરનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવે છે.
- આ ફિલ્મમાં એક પ્રામાણિક પત્રકાર (શિવાજીરાવ) ની વાર્તા હતી, જેને એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાનું પડકાર મળે છે.
- ભ્રષ્ટાચાર સામે લડવાની અને સિસ્ટમ બદલવાની આ વાર્તાએ લોકોના દિલ જીતી લીધા હતા.
- થિયેટર બાદ ટીવી પર પણ આ ફિલ્મે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડ્યા છે, તેથી અનિલ કપૂર આ વાર્તાને નવી પેઢી સામે લાવવા માંગે છે.
સીક્વલમાં શું નવું હશે?
હવે જ્યારે આ ફિલ્મના બીજા ભાગની તૈયારી ચાલી રહી છે, ત્યારે ચાહકોમાં ઉત્સુકતા છે કે શું અનિલ કપૂર જ ફરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે? શું વાર્તા જૂના પાત્રો સાથે આગળ વધશે કે પછી આજના નવા રાજકીય માહોલ પર આધારિત હશે? આ અંગે હજુ રહસ્ય જાળવી રાખવામાં આવ્યું છે.
જૂની ફિલ્મની શાનદાર ટીમ
મૂળ ફિલ્મનું નિર્દેશન દિગ્ગજ ડાયરેક્ટર શંકર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેના સંવાદો અનુરાગ કશ્યપે લખ્યા હતા. અનિલ કપૂરની સાથે રાણી મુખર્જી, પરેશ રાવલ અને અમરીશ પુરી (મુખ્યમંત્રી બલરાજ ચૌહાણ) ના શાનદાર અભિનયે આ ફિલ્મને અમર બનાવી દીધી હતી. ખાસ કરીને અમરીશ પુરી અને અનિલ કપૂર વચ્ચેના દ્રશ્યો આજે પણ સોશિયલ મીડિયા પર મીમ્સ તરીકે વાયરલ થાય છે.












Click it and Unblock the Notifications
