પીકે મુશ્કેલીમાં, આમિર-રાજકુમાર સામે ફરિયાદ નોંધાવાઈ
દિલ્હી, 11 ઑક્ટોબર : આમિર ખાનની મોસ્ટઅવેટેડ ફિલ્મ પીકે રિલીઝ થતા પહેલા જ વિવાદમાં ફસાઈ છે. દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં શૂટિંગ દરમિયાન અભિનેતા આમિર ખાન તથા નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર ઈરાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની સામે ધાર્મિક લાગણીઓ દુભવવાનો ગંભીર આરોપ છે.

મળતી માહિતી મુજબ આમિર ખાન અને તેમની ટીમ અહીં ચાંદની ચોક ખાતે ફિલ્મનું શૂટિંગ કરતા હતાં. એક સીનમાં એક વ્યક્તિ ભગવાન શિવનો વેશ ધરી રિક્શા ચલાવે છે. તે રિક્શામાં બે બુરખાધારી મહિલાઓ બેઠી છે. આ દૃશ્ય જોતા જ ચાંદની ચોકમાં ફિલ્મનું શૂટિંગ જોતા લોકોએ હોબાળો મચાવ્યો અને નારા લગાવ્યાં. હોબાળો થતો જોઈ પોલીસે દખલ કરી. મામલો બિચકે તે પહેલા જ આમિર ખાન સહિત ફિલ્મના તમામ કલાકારોને પોલીસ સ્ટેશને લઈ જવાઈ. ત્યાં આખી યૂનિટે સ્પષ્ટ કર્યું કે તેઓ કંઈ પણ ગેરકાયદેસર નથી કરી રહ્યાં. તેમની પાસે પરમિશન છે શૂટિંગ માટે, પણ સ્થાનીય લોકોની માંગ પર આમિર ખાન, રાજકુમાર ઈરાની સહિત ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આ લોકો વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભવવા બદલ આઈપીસીની કલમ 295 એ હેઠળ તથા જુદા-જુદા જૂથો વચ્ચે વૈમનસ્ય ઊભુ કરવા બદલ 153 એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મમાં આમિર ખાન એક દારૂડિયાની ભૂમિકામાં છે કે જે ગાંડાઓની જેમ ભગવાનને શોધે છે અને અંતે તેને ભગવાન મળે છે. ફિલ્મમાં સંજય દત્ત પણ છે, જ્યારે પહેલી વાર અનુષ્કા શર્મા આમિરના હીરોઇન તરીકે નજરે પડશે.












Click it and Unblock the Notifications
