અક્ષય કુમારની ફિલ્મ 'ઓહ માય ગૉડ 2'ને લઈને ભડક્યા મહાકાલ મંદિરના પૂજારી, મોકલી લીગલ નોટિસ
Akshay Kumar film OMG2: અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ ઓહ માય ગૉડ 2 તેની રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે, એક વિવાદનો અંત ન આવે ત્યાં બીજો વિવાદ ઊભો થાય છે. અગાઉ સેન્સર બોર્ડે ફિલ્મના ઘણા સીન અને સિક્વન્સ બદલી દીધા હતા, જેના કારણે ફિલ્મના ટ્રેલરને રિલીઝ થવામાં થોડો સમય લાગ્યો હતો.
હવે મહાકાલ મંદિરના પૂજારીઓએ ફિલ્મને લઈને લીગલ નોટિસ જાહેર કરી છે. અક્ષય કુમારની આ ફિલ્મને લઈને મહાકાલ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે આ ફિલ્મ જો હવે માત્ર પુખ્ત વયના લોકો જ જોઈ શકતા હોય તો તેમાંથી શિવ અને મહાકાલ સાથે જોડાયેલા દ્રશ્યો હટાવી દેવા જોઈએ.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ઉજ્જૈનમાં યોજાયેલી જનસુનાવણીમાં મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્મા અને અન્ય લોકોએ પણ અરજીઓ આપી છે. એટલું જ નહીં મેકર્સને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી છે.
પૂજારી મહેશે કહ્યું છે કે, ભગવાનને કોઈપણ સ્વરૂપમાં રજૂ કરવા સારું નથી. ફિલ્મ નિર્માતાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પ્રકારની રજૂઆત ધર્મમાં માનતા લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી શકે છે. ફિલ્મમાં ભગવાન શિવને કચોરી ખરીદતા દર્શાવવામાં આવ્યા છે અને તેનાથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે.
પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે હાઈકોર્ટના વકીલ અભિલાષા વ્યાસ દ્વારા ફિલ્મ નિર્દેશક અમિત રાય, નિર્માતા વિપુલ શાહ, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અભિનેતા અક્ષય કુમાર તેમજ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને કાનૂની નોટિસ મોકલી છે. આ પત્રમાં લખ્યું છે કે તેમાં દર્શાવવામાં આવેલા તમામ અપમાનજનક દ્રશ્યો પ્રાપ્ત થયાના 24 કલાકની અંદર દૂર કરવામાં આવે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં બતાવવામાં આવ્યો હતો પરંતુ ફેરફાર થયા બાદ તેને શિવના દૂતના અવતારમાં બતાવવામાં આવશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે જ રીલિઝ થઈ રહી છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ફિલ્મને લઈને એક યા બીજા વિવાદો પણ જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
