મન્ના ડેનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન
બેંગલોર, 24 ઑક્ટોબર : મહાન ગાયક મન્ના ડેનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. તેમનું આજે વહેલી સવારે ચાર વાગ્યે નિધન થયુ હતું. તેઓ બીમાર હતાં. તેઓ 94 વર્ષના હતાં. બેંગલોર ખાતે મન્ના ડેની અંતિમ યાત્રા બપોર પછી નિકળી કે જેમાં બૉલીવુડની અનેક હસ્તીઓ હાજર રહી. તેમના અંતિમ દર્શન કરવા હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી. મન્ના ડેના નિધન અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

મન્ના ડેના નિધનથી બૉલીવુડ દુઃખી છે અને સામાન્ય સંગીત પ્રેમીઓ સ્તબ્ધ છે. લોકોનું કહેવું છે કે મન્નાએ આજે માત્ર પોતાનો દેહ છોડ્યો છે, પરંતુ તેમનો અવાજ હંમેશા આપણા કાનોએ ગુંજતો રહેશે. મન્ના ડેએ દિલીપ કુમાર, રાજ કપૂર અને રાજેશ ખન્ના માટે અનેક સુપર હિટ ગીતો ગાયાં છે કે જે આજે પણ લોકોની જીભે રમે છે. તેમની યાદો કોઈ નહીં ભુલાવી શકે.
મન્ના ડેનો જન્મ 1લી મે 1919નાં દિવસે કલકત્તામાં થયો હતો. ગત 1લી મેના રોજ તેમણે 94મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેઓ પોતાની પુત્રી શુમિતા સાથે બેંગ્લોરમાં રહેતા હતાં. મન્ના ડેનું આખું નામ પ્રબોધચંદ્ર ડે હતું. સંગીતમાં મન્ના ડેની રૂચિ પોતાના કાકાનાં કારણે પેદા થઈ હતી. 23 વર્ષની ઉંમરે મન્ના ડે પોતાના કાકા સાથે મુંબઈ આવ્યાં અને તેમનાં સહાયક બની ગયાં. ત્યાર બાદ તેમણે સચિન દેવ બર્મનનાં સહાયક તરીકે પણ કામ કર્યું હતું. તેમણે ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન અને ઉસ્તાદ અમન અલી ખાન પાસેથી શાસ્ત્રીય સંગીતની વિદ્યા મેળવી હતી.












Click it and Unblock the Notifications
