Pics : શર્મિલા, રીના, સંગીતાના માર્ગે સુષ્મિતા!
મુંબઈ, 12 એપ્રિલ : આજે ચારે બાજુ બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેન અને ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અક્રમના લગ્નની વાતો થઈ રહી છે. એમ પણ કહે છે કે બંને દુબઈ ખાતે લગ્ન કરવાનાં છે.
સુષ્મિતા સેન અને વસીમ અક્રમ જે રીતે વિવિધ ઇવેન્ટ્સમાં સાથે દેખાય છે અને એક-બીજાના વખાણ પણ કરતા જોવા મળે છે, તેથી લોકોને આવી વાતો વહેતી કરવાની પ્રેરણા મળવી સ્વાભાવિક છે. એક બાજુ વસીમ અક્રમ પોતાના પત્નીના કૅંસરના કારણે મોત બાદ એકલાં છે, તો બીજી બાજુ સુષ્મિતા સેન પણ અપરિણીત છે. સુષ્મિતા આ વર્ષે લગ્ન કરવાના છે, તે વાત પણ વહેતી થયેલ છે.
જોકે સુષ્મિતા સેન એવાં પહેલા બૉલીવુડ અભિનેત્રી નથી કે જેમનું ક્રિકેટ સાથે સંકળાયેલ કોઈ ખેલાડી સાથે જોડાયું છે. શર્મિલા ટાગોરથી લઈ રીના રૉય અને સંગીતા બિજલાણી સહિત અનેક એવી બૉલીવુડ અભિનેત્રીઓ છે કે જેઓ સમયાંતરે આવી રીતે કોઇક ક્રિકેટર સાથે સંકળાયાં અને કેટલાંકે તો ઘર પણ માંડ્યું, તો દીપિકા પાદુકોણે કે ઈશા શરવાણી જેવા અભિનેત્રીઓના સંબંધો અલ્પકાલિક જ રહ્યાં.
આવો તસવીરોમાં જોઇએ બૉલીવુડ-ક્રિકેટ કનેક્શન.

શર્મિલા-પટૌડી
ક્રિકેટની દુનિયાના ટાઇગર મંસૂર અલી ખાન પટૌડનું દિલ બૉલીવુડના કળી શર્મિલા ટાગોર ઉપર એવું ફિદા થયું કે તેમણે શર્મિલાને પોતાના બેગમ બનાવી લીધાં. શર્મિલાએ પણ સ્મિત સાથે પોતાના પ્રેમ માટે પોતાનો ધર્મ બદલી નાંખ્યો.

ઝીનત-ઇમરાન
એક સમય હતો કે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ સ્ટાર ઇમરાન ખાન અને બૉલીવુડ બેબ ઝીનત અમાનના પ્રેમની ચર્ચાઓ ગરમ હતી. કહે છે કે ઇમરાન ઝીનત સાથે લગ્ન નહોતા કરવા માંગતાં. તેથી ઝીનત અને ઇમરાન વચ્ચે બ્રેક-અપ થયુ હતું.

રીના-મોહસિન
બૉલીવુડ અભિનેત્રી રીના રૉયે પણ પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કરી લીધા હતાં. લાંબા અફૅર બાદ થયેલ આ લગ્ન જોકે લાંબુ ટકી શક્યું નહીં અને બંને વચ્ચે છુટાછેડાં થઈ ગયાં. રીનાના પગલે મોહસિને બૉલીવુડમાં પણ હાથ અજમાવ્યા હતાં.

નીના-રિચર્ડ્સ
એંસીના દાયકામાં નીના ગુપ્તા-વિવિયન રિચર્ડ્સના પ્રેમ-પ્રકરણની પણ જોરદાર ચર્ચાઓ હતી. નીના તો રિચર્ડ્સના બાળકના માતા પણ બન્યા હતાં. જોકે બંનેએ લગ્ન કર્યા નહીં અને નીના વેસ્ટઇંડીઝ છોડી કાયમ માટે ભારત પરત ફરી ગયાં.

સંગીતા-અઝહર
મહોમ્મદ અઝહરુદ્દીને પણ પોતાના પત્ની સાથે છેડો ફાડી સંગીતા બિજલાણી સાથે લગ્ન કર્યા હતાં. લાંબાગાળા સુધી ચાલેલ તેમના અફૅરની પણ ખૂબ ચર્ચા રહી હતી. બંનેએ મોટા વિવાદ બાદ લગ્ન કર્યા હતાં. આજે પણ બંને વચ્ચે ખટપટના સમાચારો આવતાં જ રહે છે.

કિમ-યુવરાજ
ભારતીય ક્રિકેટ ટીમાના કૅસેનોવા કહેવાતાં ક્રિકેટર યુવરાજ સિંહ તથા અભિનેત્રી કિમ શર્માનું પ્રેમ-પ્રકરણ પણ ખૂબ ચર્ચામાં રહ્યું, પરંતુ લાંબો વખત સુધી રિલેશનશિપમાં રહેવા છતાં બંને જુદાં પડી ગયાં. કહે છે કે યુવરાજના માતા શબનમને કિમ પસંદ પડ્યા નહોતાં.

દીપિકા-ધોની
ભારતીય ટીમના સૌથી સફળ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ એક સમયે દીપિકા પાદુકોણેના પ્રેમમાં કેદ થઈ ગયા હતાં, પરંતુ પછી શું થયું કે તેમની વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. પછી તો ધોનીએ સાક્ષી સાથે લગ્ન કરી લીધાં.

ગીતા-હરભજન
ભારતીય સ્પિનર હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાનું પ્રેમ-પ્રકરણ પણ જગજાહેર છે. બંને ટુંકમાં જ લગ્ન કરવાનાં છે. ભજ્જી હાલ ક્રિકેટની દુનિયાથી દૂર ગીતાનું કૅરિયર શણગારવામાં જોતરાયાં છે. તેથી તેઓ પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

ઈશા-ઝહીર
ઝહીર ખાનની પણ પસંદ બૉલીવુડ સુંદરી ઈશા શરવાણી રહ્યાં છે. જોકે આજે બંને સાથે નથી, પરંતુ કહે છે કે બંને ઘણાં વખત સુધી લિવ ઇન રિલેશનમાં હતાં. બ્રેક-અપ થયા બાદ બંનેની જ લાઇફમાં હજી સુધી કોઈ આવ્યું નથી. તેમના ફૅન્સને આશા છે કે બંને એક થઈ શકે છે.

સુષ્મિતા-અક્રમ
હાલ તાજી અફવા સુષ્મિતા સેન અને વસીમ અક્રમના લગ્નની છે. જોઇએ આ બંનેના સંબંધો કેટલી દૂર સુધી જાય છે.












Click it and Unblock the Notifications
