દર્શકોનો પ્રેમ ઑસ્કાર કરતાં મોટો : સન્ની દેઓલ
મુંબઈ, 26 ફેબ્રુઆરી : અત્યાર સુધી તો માત્ર આમિર ખાન જ ફિલ્મ ઍવૉર્ડ અંગે ટીકાઓ કરતા હતાં, પરંતુ હવે વધુ એક અભિનેતા સામે આવ્યાં છે કે જે ઍવૉર્ડમાં વિશ્વાસ નથી ધરાવતાં અને તે છે સન્ની દેઓલ.

સામાન્ય રીતે મૌન અને ગંભીર રહેતાં અભિનેતા સન્ની દેઓલનું કહેવું છે કે તેઓ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ઍવૉર્ડ એટલે કે ઑસ્કાર મેળવવામાં વિશ્વાસ ધરાવતાં નથી. તેમના માટે તો ભારતીય દર્શકોનો પ્રેમ જ સૌથી મોટો ઍવૉર્ડ છે. તેથી તેમના હૃદયમાં ક્યારેય ઑસ્કાર જેવા મોટા ઍવૉર્ડ મેળવવાની ઇચ્છા નથી હોતી. તેમનું કહેવું છે કે ભાતીયોએ ઑસ્કાર પામવાની જરૂર શું છે? 131 કરોડની વસતી ધરાવતા દેશનો પ્રેમ કોઈ પણ ઑસ્કાર કરતાં મોટો છે.
આપને જણાવી દઇએ કે લાંબા સમય બાદ સન્ની દેઓલ અભિનેત્રી કંગના રાણાવત સાથે મોટા પડદે કમબૅક કરી રહ્યાં છે. સન્ની અને કંગના જે ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે, તેનું નામ છે આઈ લવ એનવાય. એનવાય એટલે ન્યુ ઇયર. આ એક રોમાન્ટિક કૉમેડી ફિલ્મ છે. લોકોને આ બેમેળ જોડી પાસે ખૂબ આશાઓ છે.
જોઇએ કે સન્ની દેઓલ અને કંગના રાણાવતની આ જોડી લોકોની અપેક્ષા ઉપર કેટલી ખરી ઉતરે છે. વિનય સપ્રુ તેમજ રાધિકા રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ આઈ લવ એનવાય આગામી 26મી એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. અત્રે એ યાદ રાખવું જોઇએ કે બૉલવુડના હી મૅન ધર્મેન્દ્રના મોટા પુત્ર સન્ની દેઓલ ફિલ્મ ઘાયલ અને દામિની માટે બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચુક્યાં છે.












Click it and Unblock the Notifications
