અમદાવાદમાં યુવતીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી, પોલીસ કરશે તપાસ
અમદાવાદની કન્સ્ટ્રક્શન સાઈટ પર યુવતીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. બારીની ગ્રિલમાં ફંદો લગાવીને આપઘાત કર્યો હોવાનું કારણ શંકાસ્પદ લાગતાં હાલ પોલીસે અકસ્માતે મોત નોંધ્યું છે. તો બીજી તરફ પોલીસે મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આ ઘટના પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં એ શોધવાનો પણ પ્રયાસ હાથ ધર્યો છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ભગવત એલિજિયમ સાઇટ પર એક યુવતી લટકતી હતી. તેને જોઇને આસપાસના લોકો ચીસો પાડવા લાગ્યા હતા. યુવતી બારીની બહારની તરફ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી, જે ખૂબ ચોંકાવનારી બાબત હતી.

આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અને યુવતી શ્રમિક પરિવારની હોવાથી અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભગવત એલિજિયમની કન્સ્ટ્રક્શન સાઈટ પર 18 વર્ષની યુવતિ મજૂરીકામ કરતી હતી.
તેના પરિવારના અન્ય સભ્યો પણ અલગ અલગ જગ્યાએ મજૂરીકામ કરતા હતા. સવારે છ વાગ્યાના અરસામાં કોઈએ પાયલની લાશ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઇ હતી, એથી તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારે આ સંદર્ભે પોલીસને જાણ કરીને તપાસ કરવા માટે જણાવ્યું હતું.
આ અંગે નિકોલ પોલીસે આ બનાવને ગંભીરતાથી લઇને ખરેખર આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ એ જાણવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. હાલ આ મામલે અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદહેના પોસ્ટમોર્ટમ બાદ યુવતીના મોતનું કારણ સ્પષ્ટ થશે.












Click it and Unblock the Notifications
