અમદાવાદમાં સતત બીજા દિવસે કોરોના કેસમાં ઘટાડો, 6 દર્દીના મોત
અમદાવાદમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદઃ અમદાવાદમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. રવિવારે એક જ દિવસમાં 2003 જેટલા કેસ ઘટવા સાથે નવા 6191 કેસ નોંધાયા હતા અને 6 દર્દીના મોત નીપજ્યા હતા. તમને જણાવી દઈએ કે શનિવારે શહેરમાં 8194 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 32,849 કેસ અને 26 લોકોના મોત નોંધવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2021 અને જાન્યુઆરીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 97,078 કેસ નોંધવામાં આવ્યા હતા. 37169 દર્દી રિકવર થયા હતા. શહેરમાં હાલમાં 43 હજારથી પણ વધુ સક્રિય કેસ છે. એસવીપી હોસ્પિટલમાં રવિવારે કોરોનાના 171 દર્દી દાખલ થયા હતા જેમાથી 69 દર્દી ઓક્સિજન અને આઈસીયુ બેડ પર સારવાર લઈ રહ્યા છે.
AMC દ્વારા મૂકવામાં આવેલ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી 11 સ્થળને મુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે નવા 16 સ્થળને ઉમેરવામાં આવતા હાલમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 186 થઈ ગઈ છે. ગઈકાલે ઉમેરાયેલા નવા 16 સ્થળોમાંથી 12 સ્થળ પશ્ચિમ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનના ત્રણ અને ઉત્તર ઝોનના એક સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બોપલ અને થલતેજ વિસ્તારના સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકાયા છે. પશ્ચિમ ઝોનમાં ચાંદખેડાના ચાર અને નવરંગપુરાના એક સ્થળ તમજ દક્ષિણ ઝોનમાં ઈસનપુરના બે અને મણિનગરના એક સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
રસીકરણની વાત કરીએ તો AMC દ્વારા તમામ રસીકરણ કેન્દ્રો પરથી 3130 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, 7677 લોકોને બીજો ડોઝ અને 3395 લોકોને પ્રિકોશન ડોઝ એમ કુલ મળીને 14202 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 92,16,316 ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. 52,28,717 લોકોને પહેલો ડોઝ અને 37,86,727 લોકોને બીજો ડોઝ અને 1,00,872 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
