Ahmedabad Metro : અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરનારા લોકો માટે સારા સમાચાર, સચિવાલય સુધી મેટ્રો સેવા લંબાવાશે
Ahmedabad Metro Extension : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે રોજગાર માટે અપડાઉન કરતા લાખો લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. મેટ્રો ટ્રેન સેવા સીધી સચિવાલય સુધી લંબાવવાની તૈયારી થઇ ચૂકી છે.
આ નવી સુવિધા બાદ યાત્રીઓ માટે પ્રવાસ વધુ ઝડપી, આરામદાયક અને સમય બચાવનાર બનશે. આનાથી હજારો લોકોને ફાયદો થશે.

હાલમાં મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમથી લઈને સેક્ટર 1 ગાંધીનગર સુધી કાર્યરત છે. હવે આ સેવા વધુ આગળ સુધી એટલે કે સચિવાલય સુધી લંબાવવામાં આવશે.
સચિવાલય પાસે મેટ્રો સ્ટેશન માટેની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને મેટ્રો કમિશ્નરની તાજેતરની વિઝિટ બાદ મંજूરી મળ્યા બાદ ટૂંક સમયમાં આ માર્ગ પર મેટ્રો ટ્રેન નિયમિત સેવા શરૂ કરાશે.
માર્ચ મહિનામાં અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન તમામ તકનીકી ચકાસણીઓ થઈ ગઈ છે અને ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને સુરક્ષાને લઇને જરૂરી વ્યવસ્થાઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સચિવાલય સુધી મેટ્રો ટ્રેન શરૂ થતાં દૈનિક મુસાફરી કરતા કર્મચારીઓ અને ઓફિસ જતા લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન અમદાવાદથી ગાંધીનગર તરફ જતાં ટ્રાફિક જામની સમસ્યા ઘણી રહેતી હતી. હવે મેટ્રો ટ્રેન દ્વારા આ સમસ્યામાંથી છૂટકારો મળશે.
હાલના અંદાજ પ્રમાણે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે રોજની મુસાફરી માટે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરનારા હજારો યાત્રીઓને હવે વધુ એક સ્ટોપેજ સચિવાલય મેટ્રો સ્ટેશન મળશે. નોકરી કરતા વર્ગ માટે આ સ્ટોપેજ એ ખાસ મહત્વ ધરાવે છે કારણ કે ઘણી ઓફિસો અને સરકારી વિભાગો અહીં સ્થિત છે.
સચિવાલય સુધી મેટ્રો સેવા શરૂ થવાથી ગુજરાત મેટ્રો નેટવર્ક વધુ મજબૂત બનશે. આવનારા સમયમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોને કનેક્ટ કરવા માટે વધુ વિસ્તરણોની યોજનાઓ પણ તૈયાર થઈ રહી છે.












Click it and Unblock the Notifications
