અમદાવાદના અટલ બ્રિજની છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી
અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલો અટલ ફૂટ ઓવર બ્રિજ સ્થાનિકો તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી હોય કે ઉનાળાની રજાઓ, આ બ્રિજ શહેરના મનપસંદ લેઝર ડેસ્ટિનેશન્સમાંનો એક બની ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ઉદ્ઘાટન કરાયેલ અટલ બ્રિજ સતત મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા પૂરા પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ થી ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં કુલ ૭૭,૭૧,૨૬૯ મુલાકાતીઓએ આ બ્રિજની મુલાકાત લીધી છે.

આ મુલાકાતીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને ૨૭.૭૦ કરોડથી વધુની આવક થઈ છે. વર્ષ મુજબના મુલાકાતી અને આવકના આંકડા નીચે મુજબ છે:
૩૧ ઓગસ્ટ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ૨૧.૬૨ લાખ મુલાકાતીઓથી ૬.૪૪ કરોડની આવક થઈ. એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ સુધીમાં ૨૬.૮૯ લાખ લોકોએ મુલાકાત લીધી, જેનાથી ₹૮.૨૪ કરોડની કમાણી થઈ.
એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ના ગાળામાં ૨૦.૬૭ લાખ મુલાકાતીઓ નોંધાયા અને ૮.૧૯ કરોડની આવક થઈ. જ્યારે એપ્રિલ ૨૦૨૫ થી ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં ૮.૫૧ લાખ મુલાકાતીઓથી ૪.૮૨ કરોડની આવક પ્રાપ્ત થઈ.
આમ, કુલ ૭૭.૬૯ લાખ મુલાકાતીઓ દ્વારા ૨૭.૬૯ કરોડની આવક થઈ. આ બ્રિજનું નિર્માણ આશરે ૭૪ કરોડના ખર્ચે થયું છે. ટિકિટની આવક દ્વારા તેના નિર્માણ ખર્ચના ૩૭% થી વધુ રકમ પહેલેથી જ વસૂલ થઈ ચૂકી છે.
પોતાની અનોખી ડિઝાઇન, સાંસ્કૃતિક મહત્વ અને સાબરમતી નદી પરના રમણીય સ્થાનને કારણે, અટલ ફૂટ ઓવર બ્રિજે અમદાવાદમાં એક સ્થાપત્ય અને પર્યટન સીમાચિહ્ન તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે.












Click it and Unblock the Notifications
