ગુજરાત યુનિવર્સિટીની ગાઇડલાઇન જાહેર, દરેક વિદ્યાર્થીએ આ નિયમો પાળવા પડશે
Gujarat University Hostel Raw: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત હુમલા બાદ યુનિવર્સિટી તંત્રએ રવિવારના રોજ ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટીની રચના કરી હતી. જે બાદ હવે એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
યુનિવર્સિટીની ગાઈડલાઈનમાં 25 મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં રેગિંગ સંપૂર્ણ પ્રતિબંધિત છે. વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારના આલ્કોહોલ કે ડ્રગ્સ હોસ્ટેલના કેમ્પસમાં લાવી શકશે નહીં. હોસ્ટેલમાં આવતાં તમામ મુલાકાતીઓની એન્ટ્રી વિઝિટર બુકમાં કરવી ફરજિયાત રહેશે.

આ ઉપરાંત યુનિવર્સિટીની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓ કોઇ અનઅધિકૃત વ્યક્તિને હોસ્ટેલમાં લાવી શકશે નહીં. બહારથી આવનારા મુલાકાતીઓ હોસ્ટેલમાં રાત રહી શકશે નહીં. જો કોઇ મુલાકાતી કે વાલીએ રહેવાની જરૂરિયાત ઊભી થાય તો વોર્ડનની મંજૂરી લેવાની રહેશે. છોકરીઓ રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી આવી શકશે નહીં. છોકરાઓ પણ ગર્લ્સ હોસ્ટેલમાં મંજૂરી વગર પ્રવેશ કરી શકશે નહીં.
વળી, વિદ્યાર્થિનીઓએ રાત્રે 10 વાગ્યા સુધીમાં હોસ્ટેલમાં પરત આવી જવાનું રહેશે. વોર્ડનની મંજૂરી વગર કોઇ કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહીં. આજુબાજુની સોસાયટી કે રહીશોની ફરિયાદ આવશે તો તાકીદે પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓ મોટા અવાજે મ્યુઝીક વગાડી શકશે નહીં. જાહેર સ્થળે ખાનગી, ધાર્મિક કે બહારની પ્રવૃત્તિઓ કરી શકશે નહીં.
તમને જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના 8 વિદ્યાર્થીઓ શનિવારે રાતે નમાઝ પઢી રહ્યા હતા ત્યારે કેસરી ખેસ પહેરીને 20થી 25 વ્યક્તિઓએ હોસ્ટેલના કેમ્પસમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન નમાઝ પઢી રહેલા એક વિદ્યાર્થી હારુન અફઘાનીએ ટોળામાં રહેલા એક વ્યક્તિને થપ્પડ મારતા હોસ્ટેલમાં હોબાળો મચી ગયો હતો.
ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના આધારે અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ગંભીર ઘટનાની વિદેશ મંત્રાલય સુધી નોંધ લેવાઈ છે. વિદેશી વિદ્યાર્થીનીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. એનઆરઆઈ હોસ્ટેલમાં કુલ 92 રુમ ઉપલબ્ધ છે. જેમાં દરેક રુમમાં એસી, આરઓ સિસ્ટમ અને કિચનની પણ વ્યવસ્થા છે.












Click it and Unblock the Notifications
