અમદાવાદમાંથી ફરી ઝડપાયુ હુક્કાબાર, મહમદપુરા રોડ પર કાફેની આડમાં ચાલતો હતો વેપાર
સમગ્ર રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના સરખેજ હાઈવે પર આવેલ મહમદપુરા હાઈવે પર હુક્કાબાર ઝડપાયુ હતુ. બ્રુરોસ્ટ કેફેમાં ગેરકાયદેસર હુક્કાબાર ચલાવાતું હોવાની બાતમી મળતા પીસીબી ટીમને રેડ કરી હતી.
આ દરમ્યાન કેફેમાં બેઠેલા કેટલાક ગ્રાહકો હુક્કો લઈ બેઠેલા પોલીસને નજરે પડ્યા હતા. જોકે પોલીસ કાર્યવાહી અંગે ગ્રાહકોને ખ્યાલ આવતા ગ્રાહકો થોડીવારમાં છુમંતર થવા લાગ્યા હતા.
પીસીબી અધિકારી તરફથી મળતી માહિતી અનુસાર, બ્રુરોસ્ટ કેફેમાં જુદા-જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીનયુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવતા હોવાની હકીકત મળતા રેડ કરવામાં આવી હતી.
પ્રાથમિક તબક્કે સંચાલકો દ્વારા ફ્લેવર્ડ હુક્કા હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પીસીબી ટીમે એફએસએલની મદદ લઈ હુક્કાના ફ્લેવર ચકાસ્યા હતા. જેમાંથી નિકોટીનની માત્રાવાળા હુક્કા હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

બ્રુરોસ્ટ કેફેની આડમાં છેલ્લા બે મહિનાથી હુક્કાબાર ચાલતું હતું. બ્રુરોસ્ટ કેફેની આડમાં હુક્કાબાર ચલાવવા કેફે સંચાલકોએ કેફે મેનેજર રાખ્યો હતો. એટલું જ નહીં ગ્રાહકોને અગવડતા ના પડે તે હેતુસર હુક્કો પીરસવા બે વેઇટરો રાખવામાં આવ્યા હતા. જે માત્ર હુક્કા અને નાસ્તો પીરસતા હતા. જ્યારે હુક્કો બનાવવા માટે કારીગર રાખવામાં આવ્યો હતો.
કેફેના સંચાલન દિવ્યરાજસિંહ તથા અબ્દુલ હમીદ હોવાનું સામે આવતા બંને વિરુદ્ધ પીસીબીએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જોકે બ્રુરોસ્ટ કેફેમાંથી અલગ અલગ હુક્કાબારના 41 ફ્લેવર પેકેટ, 30 જેટલા હુક્કા સહિત 47 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
