અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે?
અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓને ફરી વસાવવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ વિસ્તારમાં હાલની સ્થિતિ જાળવી રાખવા (સ્ટેટસ ક્વો) જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના 13 માર્ચ 2026ના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં 586 પ્રમાણિત ફેરિયાઓને જગ્યા ફાળવવા સૂચના અપાઈ હતી.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટના નિર્દેશોના અમલ સામે સ્ટે આપ્યો છે.
AMC વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ વિસ્તારમાં ફેરિયાઓના કારણે ટ્રાફિક અને જાહેર સલામતી માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
કોર્પોરેશનના જણાવ્યા મુજબ, અગાઉ 1,500થી વધુ ફેરિયાઓના અતિક્રમણને કારણે ફૂટપાથ બ્લોક થઈ ગઈ હતી અને રાહદારીઓને રોડ પર ચાલવું પડતું હતું.
ભદ્ર વિસ્તારમાં ભારે ભીડને લીધે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોને પસાર થવામાં પણ મોટી અડચણો ઊભી થતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
હાઈકોર્ટે અગાઉ AMCને ચેતવણી આપી હતી કે જો 21 માર્ચ સુધીમાં ફેરિયાઓને જગ્યા નહીં અપાય તો અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે.
હવે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ આ મામલે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી ભદ્ર પ્લાઝામાં ફેરિયાઓના પુનઃસ્થાપનની પ્રક્રિયા અટકી ગઈ છે.












Click it and Unblock the Notifications
