VGGS 2024: 11 જાન્યુઆરીએ યોજાશે સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ સેમિનાર
VGGS 2024: ગુજરાત સરકારના એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર કુલદીપ આર્ય (IAS)એ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા 11 જાન્યુઆરી 2024ના રોજ સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ થીમ પર આધારિત એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિરના સેમિનાર હોલ-1 ખાતે આ સેમિનાર યોજાશે. સેમિનારનો ઉદ્દેશ્ય ભારતમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને આર્થિક વૃદ્ધિને આગળ વધારવામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા એક્સપ્લોર કરવાનો છે.

કાર્યક્રમની વિગતો વિશે વાત કરતા કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન સત્રનું ઉદ્ઘાટન iCreate ના CEO શ્રી અવિનાશ પુણેકર કરશે. તેમના સંબોધન બાદ ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે, જેમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સંયુકત સચિવ સંજીવ, DPIITના ડાયરેક્ટર સુમીત જરાંગલ, ડીપીઆઈઆઈટીના વાઇસ પ્રેસિડેન્ટ અને ગૂગલ, યુનાઇટેડ સ્ટેટ્સના એન્જિનિયરિંગ ફેલો જય યાજ્ઞિક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં નવીનતાને પ્રોત્સાહન આપવા પર સંબોધન કરશે.
તેમણે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ્સ: ધ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ધ ન્યૂ ઈન્ડિયા (વિકસિત ભારત@ 2047) શીર્ષક પરનો ઓપન ડાયલોગ આ સેમિનારની વિશેષતા છે, જ્યાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિષ્ઠિત પેનલિસ્ટ ચર્ચામાં જોડાશે.
આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણમાં અત્યાધુનિક ટેક્નોલોજી કેવી રીતે યોગદાન આપી શકે છે, તેના પર આ સત્રમાં ચર્ચા કરવામાં આવશે. ચર્ચામાં સામેલ પેનલના સભ્યો, સ્ટાર્ટ-અપ માટેના મુખ્ય ક્ષેત્રોને ઓળખશે, જે આર્થિક વિકાસને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
તેમણે માહિતી આપી હતી કે, સેમિનારમાં ગ્લોબલ ઇનોવેશન સેન્ટર ફોર નેશનલ ડેવલપમેન્ટ પરના થીમેટિક ફોકસ સાથે અનપ્લગ્ડ ટોક પણ આયોજિત કરવામાં આવશે. આ સેગમેન્ટમાં પેનલ ડિસ્કશન કરવામાં આવશે, જે વૈશ્વિક અને રાષ્ટ્રીય બંને પરિપ્રેક્ષ્યો સાથે વિચારશીલ નેતાઓ અને નિષ્ણાતોની પેનલને એકસાથે લાવશે. તેનો હેતુ સંસ્થાકીય સ્તરે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી ઇકોસિસ્ટમ પર આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ દ્વારા સંબોધનો કરવામાં આવશે, જેમાં iDEX ના સંરક્ષણ ઉત્પાદનના અધિક સચિવ ટી. નટરાજન (IAS), નીતિ આયોગ હેઠળ અટલ ઇનોવેશન મિશન (AIM)ના મિશન ડિરેક્ટર અને સ્ટાર્ટઅપ 20 એન્ગેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ ડૉ. ચિંતન વૈષ્ણવ, iCreateના ચીફ મેન્ટર એમેરિટસ ડૉ. મધુકુમાર મહેતા, મેકેન્સીના સિનિયર પાર્ટનર આલોક ક્ષીરસાગર અથવા સત્ય પ્રતિપતિ, IBM (ઓસ્ટિન, ટેક્સાસ, US) ખાતે સિક્યોરીટી એક્સપર્ટ લેબના CTO ક્રિષ્ના યેલાપેડી, ટર્નટાઇડ ટેક્નોલોજીસ (યુએસ) ના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ /સહ-સ્થાપક ડૉ. પીયૂષ દેસાઈ, ઇઝરાયેલની ક્વોન્ટમ ઇનોવેશન્સ લિમિટેડના પ્રેસિડેન્ટ ડૉ. હેરી યુક્લી અને જેપીઇજી કન્વીનર અને રે શેપર એસએ (સ્વિટ્ઝર્લેન્ડ)ના સ્થાપક પ્રોફેસર ડૉ. તોરાદજ ઇબ્રાહિમીનો સમાવેશ થાય છે.
કુલદીપ આર્યએ સમાપન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતને વિશ્વના નકશા પર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના હબ તરીકે સ્થાપિત કરવા માટે આ સેમિનાર એડવાન્સ ઇનોવેશન ઇકોસિસ્ટમ, આર્થિક વિકાસ માટે વ્યૂહાત્મક રોડમેપ, સ્ટાર્ટઅપના સશક્તિકરણ, સંસ્થાકીય સ્તરના શિક્ષણ અને વૈશ્વિક સહયોગ અને નેટવર્કિંગની તકો સાથે સંબંધિત ચર્ચાઓ પર કેન્દ્રિત હશે અને ગુજરાતને વિકસિત ભારત@2047ના ભાવિ તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કુલદીપ આર્યએ તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને આ સત્રમાં જોડાવા માટે આમંત્રિત કરીને કોન્ફરન્સનું સમાપન કર્યું. વધુ માહિતી અને નોંધણી માટે, કૃપા કરીને https://www.vibrantgujarat.com/ ની મુલાકાત લો.












Click it and Unblock the Notifications
