'અખિયાં મિલાકે'ના કેસમાં 140 ટકાનો વધારો, ડૉક્ટરોએ આપી આ ચેતવણી
Conjunctivitis: રાજ્યમાં કન્જક્ટીવાઈટીસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત મોટા ભાગના કેસોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદની સિવિલ અને સોલા સિવિલમાં છેલ્લા 7 દિવસમાં કન્જક્ટીવાઈટિસના 2800થી વધુ કેસ નોંધાયા છે.
જેમાં અસારવા સિવિલ ખાતે 2297 કેસ અને સોલા સિવિલમાં 511 દર્દી નોંધાયા છે. ખાનગી હૉસ્પિટલો અને મ્યુનિસિપલ સંચાલિત સેન્ટરોમાં દર્દીઓ વધી રહ્યા છે. જેના પરિણામે આંખના ટીપાંનો જથ્થો ખૂટી રહ્યો છે.

અમદાવાદની સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં કન્જક્ટીવાઈટિસના કેસો જોઈએ તો 20 જુલાઈએ સોલામાં 85 દર્દી, 21 જુલાઈના રોજ અસારવામાં 229 અને સોલામાં 56 દર્દી, 22 જુલાઈએ અસારવામાં 190 અને સોલામાં 41 દર્દી, 23 જુલાઈએ અસારવામાં 107 દર્દી, 24 જુલાઈએ અસારવામાં 508 અને સોલામાં 108 દર્દી, 25 જુલાઈએ અસારવામાં 398 અને સોલામાં 115 દર્દી, 26 જુલાઈએ અસારવામાં 454 અને સોલામાં 62 દર્દી અને 27 જુલાઈએ બપોરે 1 વાગ્યા સુધી સોલામાં 51 દર્દી નોંધાયા હતા.
વડોદરામાં પણ છેલ્લા 15 દિવસથી કન્જક્ટીવાઈટીસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં રોજના 2000થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લાના 1700 જેટલા મેડિકલ સ્ટોરમાં રોજની 1 લાખ આઈ ડ્રોપની બોટલોનુ વેચાણ થાય છે. છેલ્લા 15 દિવસમાં આ વેચાણમાં 25 ટકા વધારો થયો છે.
આ દરમિયાન ડૉક્ટરોએ ચેતવણી આપીને જણાવ્યુ છે કે કન્જક્ટીવાઈટિસના વાયરલ અને બેક્ટેરિયલ એમ બે પ્રકાર હોય છે. માટે ડૉક્ટરની સલાહ પછી જ ટીપાં લેવા જોઈએ. સ્ટિરોઈડ્સના ટીપાં આંખમાં નાખવાથી આંખોને નુકશાન થઈ શકે છે. મેડિકલ સ્ટોર પરથી જાતે ટીપાં લઈને અખતરાં ન કરવા જોઈએ તેવી સલાહ ડૉક્ટરોએ આપી હતી. આંખોમાં અતિશય સોજો હોય અથવા કીકીને નુકશાન થયુ હોય તો જ સ્ટિરોઈડના ટીપાં ડૉક્ટર આપતા હોય છે.












Click it and Unblock the Notifications
