ગુજરાતમાં 19 ટકા વરસાદની ઘટ, 3 દિવસ આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના!
સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતા ગુજરાત રાજ્ય મંડરાઈ રહેલું જળશંકટ ટળી ગયુ છે. સપ્ટેમ્બર મહિના સુધી રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ હતી.
સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતા ગુજરાત રાજ્ય મંડરાઈ રહેલું જળશંકટ ટળી ગયુ છે. સપ્ટેમ્બર મહિના સુધી રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ હતી. આ ઘટ જો યથાવત રહેતી તો ગુજરાત માટે મોટું સંકટ સર્જાવાની સંભાવના હતી. એક તરફ સરદાર સરોવર ડેમની સ્થિતી અને બીજી તરફ ગુજરાતમાં વરસાદની ઘટ, આ બન્ને પરિબળો ગુજરાતનો ઉનાળો બગાડી શકે તેમ હતા. જો કે હવે આ સ્થિતી ટળી ગઈ છે.

ગુજરાતમાં હજુ પણ 19 ટકા વરસાદની ઘટ
ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં હજુ પણ 19 ટકા વરસાદની ઘટ છે. અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 81 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની ઘટ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી 50 ટકા હતી. જે સપ્ટેમ્બરના 19 દિવસમાં ઘટીને 19 ટકા થઈ ગઈ છે. કુલ વરસાદની વાત કરવામાં આવે તો, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સરેરાશ 658.1 MM વરસાદ સામે માત્ર 534.6 MM વરસાદ નોંધાયો છે. જો કે હવામાન વિભાગનું માનીએ તો હજુ આ ઘટ પણ આ મહિનામાં પુરી થઈ શકે છે.

અમદાવાદમાં પણ વરસાદની ઘટ
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હજુ વરસાદની મોટી ઘટ છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 655.7 MM વરસાદ સામે માત્ર 375.4 MM જ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં અત્યારસુધીમાં 57 ટકા વરસાદ નોંધાયો છે અને 43 ટકા વરસાદની ઘટ છે. જો કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

8 જિલ્લાઓમાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની મોટી ઘટ છે. આ જિલ્લાઓની વાત કરીએ તો સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદ જિલ્લામાં છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 46 ટકા, અમદાવાદમાં 43 ટકા, તાપી જિલ્લામાં 42 ટકા, વડોદરા જિલ્લામાં 42 ટકા, મહેસાણા જિલ્લામાં 41 ટકા, અરવલ્લી જિલ્લામાં 40 ટકા અને ખેડા જિલ્લામાં 40 ટકા વરસાદની ઘટ છે.

આ જિલ્લાઓમાં એવરેજથી વધારે વરસાદ
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટ સાથે સાથે કેટલાક જિલ્લાઓમાં વધારે વરસાદ પણ નોંધાયો છે. રાજ્યના કુલ 8 જિલ્લાઓમાં એવરેજ વરસાદ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ 8 જિલ્લાઓમાં 5 થી 45 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે.

આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લૉ-પ્રેશર સક્રિય થતા અને મોન્સૂન ટ્રફની અસરોને જોતા આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
