વિશ્વ એઇડ્સ દિવસ જાણો ગુજરાતના દર્દીઓની વ્યથા
પહેલી ડિસેમ્બર છે વિશ્વ એઇડ્સ દિવસ પણ આ સમયે ગુજરાતમાં એચઆઇવી એઇડ્સથી પીડિતા દર્દીઓની શું મુશ્કેલી છે જાણો અહીં
1 ડીસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ એઇડસ દિવસની ઉજવણી કરવાની તૈયારી સરકાર તેમજ વિવિધ એનજીઓ દ્નારા કરવામાં આવનાર છે, જેનો હેતુ એ છે એચઆઇવી એઇડ્સથી પીડાતા લોકોને તેમનો હક મળે તેમજ સમાજ તેમને હકારાત્મક રીતે જોવે તે છે. પરંતુ, પડદા પાછળનું ચિત્ર કઇક અલગ જ છે કારણ કે હજુ પણ એચઆઇવી પ્રભાવિત લોકોને પોતાના હક નથી મળતા. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચઆઇવી-એઇડસ (જીએસએનપી પ્લસ)ના સ્ટાફના જણાવ્યા મુજબ હાલ પણ ઘણી સ્થિતિ એવી છે કે જેમાં મુશ્કેલી પડી રહી છે. જેમાં એક મુશ્કેલી એવી છે કે એચઆઇવી પીડીત પરિવારના બાળકો ભલે તે એચઆઇવી પીડીત હોય ન હોય તેમને સરકાર દ્વારા તેમને ખાસ સ્કોલરશીપ આપવામાં આવે છે. પણ સ્કોલરશીપના ફોર્મ પર એચઆઇવી એઇડ્સ પીડીત વિદ્યાર્થીની સ્કોલરશીપ માટેનું હેડીંગ મારવામાં આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીની ઓળખ છતી થઇ જાય છે.

આ મુદે જીએસએનપી પ્લસના સહમંત્રી આશા પટેલે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં અંદાજે 3700 વિદ્યાર્થીઓ એચઆઇવી એઇડ્સથી પીડીત છે. જેમાંથી ગત વર્ષ સુધી 1500 બાળકો સ્કોલરશીપનો લાભ લેતા હતા. પણ આ સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. કારણ કે ફોર્મ ભરવાની પધ્ધતિ છે અને તેના કારણે એચઆઇવીથી પીડીત વિદ્યાર્થીની ઓળખ શાળામાં છતી થાય છે અને તેની સાથે ડીસ્ક્રીમીનેશન રાખવામાં આવે છે. આ પ્રકારના અમદાવાદમાં 12 કિસ્સા અને મહેસાણામાં 9 કિસ્સા બહાર આવ્યા હતા. આ અંગે જાણીતા એડવોકેટ આશા ઠાકર કહે છે કે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ એચઆઇવી એઇડ્સ પીડીત બાળક કે વ્યકિતની ઓળખ છતી થાય તે ગુનો બને છે. જ્યારે અહીયા તો વિદ્યાર્થીની ઓળખ છતી થવાની શક્યતા ખુબ વધી જાય છે. ત્યારે આ અંગે અમે કાયદાકીય કાર્યવાહી પણ કરીશું.

કિરણબેન (નામ બદલેલ છે) જણાવે છે કે તેમના પૌત્રને શાળામાં એડમીશન બાદ સ્કોરશીપનું ફોર્મ ભર્યું ત્યારબાદ શાળાના સ્ટાફ દ્વારા તેની સાથેનું વર્તન બદલી નાખવામાં આવ્યું હતુ. આમ, સરકારની યોજનાના અમલ માટે સરકારના નિયમો જ અડચણ ઉભી કરે છે. બીજો મોટો પ્રશ્ન એ છે કે એચઆઇવી એઇડ્સ પીડીત વ્યકિતને સરકાર દ્વારા રૂપિયા 500 આર્થિક સહાય ન્યુટ્રીશયન માટે પ્રતિમાસ કરવામાં આવે છે જો કે આ મોંધવારીમાં 500 રૂપિયામાં પુરતા ન્યુટ્રીશીયનનો ડોઝ લેવો લગભગ અશક્ય છે. ત્યારે જીએસએનપી પલ્સના કો-ઓર્ડીનેટર કહે છે કે અમે આ રકમ રૂપિયા 500થી વધારીને રૂપિયા 1500 કરવાની માંગણી કરી છે. આ માટે છેલ્લાં ત્રણ વર્ષથી અમે સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટમાં રજુઆત કરી છે. પણ, હજુ સુધી આ બાબતનો નિવેડો આવી શક્યો નથી. ત્યારે 1લી ડીસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવાના બદલે સરકાર આ પાયાના પ્રશ્નો હલ કરવાનું વિચારે તે જરૂરી છે.












Click it and Unblock the Notifications
