નળકાંઠાના ૩ર ગામોનો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ કરાયો!
અમિત શાહે નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી.
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નળકાંઠાના ૩ર જેટલા 'નો સોર્સ વિલેજ'ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી.

અમિત શાહે નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠાના આ બધા જ 'નો સોર્સ વિલેજ' ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયના પરિણામ સ્વરૂપે હવે નળકાંઠાના સિંચાઇ વંચિત ૧૧ ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧પ હેક્ટર જમીન વિસ્તારને પણ સિંચાઇ માટે નર્મદા જળ મળતા થશે. રાજ્ય સરકારે તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ યોજનાઓના પિયત વિસ્તારના ૧૧૧ ગામોને નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરેલો છે.
આ ૧૧૧ ગામોમાં નળકાંઠાના ૨૧ ગામોનો પણ સમાવેશ થઇ ગયો છે. નળકાંઠાના કુલ ૩ર ગામોમાંથી પિયત વિસ્તારથી બાકાત રહી ગયેલા ૧૧ ગામોને પણ હવે નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
