રાજ્યના 207 ડેમમાં 39.06 ટકા પાણીની આવક, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું જળસ્તર
સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ પડી રહેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઇ છે. નદી-નાળા અને ડેમ છલકાઇ રહ્યા છે. ઘણા જિલ્લામાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ પણ સામે આવી છે. ઘણા ગામોમાં પાણી ભરાઇ જવાને કારણે સંપર્ક કપાઇ ગયો છે.
આવામાં રાજ્યના 207 ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના કુલ 141 ડેમોમાંથી બે ડેમ છલકાઇને ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત 5 ડેમોમાં 80થી 90 ટકા ભરાઇ ચુક્યા છે. જે માટે એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 70થી 80 ટકા જળ સંગ્રહવાળા ડેમોને વોર્નિંગ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે, રાજ્યના 194 ડેમોમાં 70 ટકા કરતા ઓછુ જળ સ્તર છે.
મધ્ય ગુજરાતના ડેમની વાત કરવામાં આવે તો, 17 ડેમોમાં 40.12 ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 37.78 ટકા જળ સંગ્રહ થયો છે.
જ્યારે ઉત્તર ગુજરાતના 12 ડેમોમાં 25.67 ટકા જળ સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 24.80 ટકા જળ સંગ્રહ થયો છે. કચ્છના ડેમોમાં સૌથી ઓછો જળ સંગ્રહ થયો છે. અહીંના 20 ડેમોમાં 22.20 જળ સંગ્રહ થયો છે.
જો વાપરવા લાયક પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાતમાં 19.67 ટકા, મધ્ય ગુજરાતમાં 36.65 ટકા, દક્ષિણ ગુજરાતમાં 28.48 ટકા, કચ્છમાં 16.81 ટકા જથ્થો છે. સૌરાષ્ટ્રના બે ડેમ સિવાય ગુજરાતના અન્ય કોઇ ડેમ છલકાયા નથી.

ઉલ્લેખનીય છે કે, આજે 11 જુલાઇ સુધીમાં ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ 4,920.54 MCM જળ સંગ્રહ અને 120.01 મીટર લેવલ સાથે 52.01 ટકા ભરેલો છે.
ગુજરાતનો બીજો સૌથી મોટો ઉકાઈ ડેમ 105.16 મીટરના પૂર્ણ સ્તરની સામે 93.16 મીટરના સ્તરે 2,384 MCM સંગ્રહ સાથે 32.16 ટકા ભરેલો હતો. ઉપરવાસમાંથી સમાન પ્રવાહ સામે 800 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું.
ગુજરાતનો ત્રીજો સૌથી મોટો કડાણા ડેમ 127.72 મીટરના પૂર્ણ સ્તરની સામે 118.19 મીટરના સ્તરે 477.37 mcm સંગ્રહ સાથે 38.21 ટકા ભરેલો હતો. 120 ક્યુસેક ઇનફ્લો સામે 900 ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નોંધપાત્ર ઇનફ્લો પૈકી ભાદર2 ડેમમાં 1422 ક્યુસેક, શેત્રુંજી 807 ક્યુસેક, વણાકબોરી 900 ક્યુસેક, દમણગંગા 678 ક્યુસેક, મચ્છુ 253 ક્યુસેકની આવક થઈ રહી છે.












Click it and Unblock the Notifications
