ગુજરાતના 39 ટકા બાળકો ઓવર વેઇટ : સર્વે
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર : ગુજરાતના લગભગ 39 ટકા જેટલા બાળકો સ્થૂળતાનો શિકાર છે. એક સર્વેક્ષણ અનુસાર ગુજરાતની શાળાના બાળકો વધુ પડતા વજનની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. આ બાળકોના બોડી માસ ઇન્ડેકસ (બીએમઆઇ)ના સર્વેમાં તેઓ તંદુરસ્ત નથી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે વર્ષ 2012-13 માટે 18 રાજયોમાં ફિઝીકલ એજયુકેશન પ્રોવાઇડર એજયુ સ્પોટર્સ દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસના તારણોમાં ગુજરાતના બાળકો તંદુરસ્ત નહીં હોવાનું જાણવા મળ્યું છે.
આ સર્વેમાં દેશના 54 શહેરોની 104 શાળાઓના 7થી 17 વર્ષની વય વચ્ચેના 49,000 બાળકો ઉપર અભ્યાસ હાથ ધરાયો હતો. જે પૈકી ગુજરાતના 1600 વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસ થયો હતો.
આ રિપોર્ટ અનુસાર ગુજરાતના મોટાભાગના બાળકો અંડર વેઇટને બદલે ઓવર વેઇટ (વધુ પડતુ વજન ધરાવી રહ્યા છે) છે. ગુજરાતમાં ઓવર વેઇટ બાળકોનું પ્રમાણ બાકીના 18 રાજયોની સરેરાશ એવરેજ કરતા 21.1 ટકા વધારે છે. બીજીબાજુ રાજયમાં ઓછુ વજન ધરાવતા બાળકોની ટકાવારી 30.4ની છે. જે ભારતના બાકીના ભાગ કરતા નીચી છે.
આ અભ્યાસમાં જણાવાયુ છે કે ગુજરાતના 38.9 ટકા બાળકો તંદુરસ્ત નથી. તેઓ વધુ પડતુ વજન ધરાવી રહ્યા છે. ગુજરાતના 61.1 ટકા બાળકો બીએમઆઇ બરાબર હતો. રાષ્ટ્રીય એવરેજ 19.94 ટકાનો છે જે સામે ગુજરાતના 24.1 ટકા વિદ્યાર્થીઓ અંડર વેઇટ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બાળકોની સ્પોટર્સની ચોઇસ ક્રિકેટને બદલે હવે ફુટબોલ થઇ રહી છે.