79માં સ્વતંત્રતા દિવસે CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ , રાષ્ટ્રભકિતના રંગે રંગાયુ ગુજરાત
79th Independence Day 2025: આજે 15મી ઓગસ્ટે 79માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં કરાઈ છે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રસંગે 'બાપુના પગલે ત્રિરંગા ભારત' થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 150 કલાકાર દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરશે. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને શુભકામના આપી
CM ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે, 79માં સ્વાતંત્ર્ય પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામના. અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ - ક્રાંતિકારીઓના સમર્પણ તથા અસંખ્ય દેશવાસીઓના અવિરત સંઘર્ષથી આપણને આઝાદ ભારત મળ્યું છે. ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવનાર એ સૌ વીરોને કૃતજ્ઞતાસહ વંદન કરું છું. આપણી સામે 'વિકસિત ભારત'ના નિર્માણનું મહાન લક્ષ્ય છે. આવો, આપણે સૌ આ લક્ષ્યને સાકાર કરવા, અને ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવા કૃતસંકલ્પ થઈએ. ભારતને સિદ્ધિના શિખરે લઈ જઈ સૌ સ્વાતંત્ર્ય વીરોને સાચી શ્રદ્ધાંજલિ આપીએ.
79માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરાઈ
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે 79માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મંત્રી કુંવરજી બાવળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે સૌને 79માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ પૂજ્ય ગાંધીજી, સરદાર વલ્લભ પટેલ અને રાષ્ટ્રભક્તોનું સ્મરણ કરવાનો દિવસ છે. પૂજ્ય ગાંધીજીએ આઝાદીની ચળવળ દરમિયાન દેશની ભવ્ય રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવા જે પ્રયત્નો કર્યા હતા, તેનું અનુકરણ આજની પેઢી કરે તો ભારત ચહુમુખી વિકાસ કરી શકશે અને આપણે સૌએ આ વિકાસયાત્રામાં સહભાગી બનવું જોઇએ.
79માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવની પૂર્વ સંધ્યાએ પોરબંદર પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
