કોરોનાને લઈને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક યોજાઇ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતીની સમીક્ષા કરાઈ હતી.
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જ્તાની સર્વગ્રાહી સમિક્ષા હાથ ધરી હતી.

આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય મંત્રીઓના સુઝાવ પણ સાંભળ્યા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠકો અંગે જણાવ્યું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોઇએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ ૩૩ ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે તે વધારીને ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે.
તેમણે વધુમાં કહ્યુ કે, આગામી ૨૭મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે. જેમાં હોસ્પિટલની ક્ષમતા ચકાસવી, ઓકસિજન સુવિધા અને બેડની એવેલીબીલીટી તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ ચકાસવામાં આવશે. મોકડ્રીલ બાદની સંકલિત માહિતી COWIN INDIA PORTAL ઉપર મુકવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ આગળ કહ્યું કે, ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશાનિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર ર% રેન્ડમ ચેક કરવામાં આવશે. આ સિવા સ્વૈચ્છિક RTPCR માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતે કરવામાં આવશે.
તેમણે આગળ કહ્યું કે, તજજ્ઞોના મતે BF.7ના સંક્રમણના દર મુજબ ૧ વ્યકિત ૧૬ વ્યકિતને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. પરંતુ તે માટેનો મૃત્યુદર દરેક દેશ અને ખંડ મુજબ અલગ અલગ છે. અત્યાર સુધીમાં આ વેરિયન્ટના ભારતમાં કુલ ૪ કેસ નોંધાયા છે. જેમાંથી ગુજરાતમાં જુલાઇ, સપ્ટેબર અને નવેમ્બર-૨૦૨૨માં કુલ ત્રણ કેસ નોધાયા હતા. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. આ તમામ કેસ હોસ્પિયલમાં દાખલ થયા વિના હોમ આઇસોલેશનમાં જ રીકવર થયા છે. હાલ રાજયમાં કોરોનાના અંદાજે દૈનિક પાંચ જ કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ દૈનિક ૧૦,૦૦૦ ટેસ્ટીંગ થાય છે જરૂર પડેતો ક્ષમતા વધારાશે.












Click it and Unblock the Notifications
