વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના કારણે ગુજરાતમાં વિકસી અનોખી સ્કિલ ડેવલપમેન્ટ ઇકો સિસ્ટમ
વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. ટેકનોલોજીના પરિણામે વ્યાપાર-ઉદ્યોગો અદ્યતન ટેકનોલોજી સાથે તેમની કાર્યપદ્ધતીમાં અનેક ફેરફારો કરી રહ્યા છે. ગુજરાતની યુવાપેઢી નવી અને અદ્યતન ટેકનોલોજીથી સતત અપડેટ રહી પોતાની સ્કિલને વધુ સારી રીતે એપ્લાય કરી શકે તે માટે રાજ્ય સરકારે અનેક નવતર પહેલો શરુ કરી છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે છેલ્લા બે દશકા દરમિયાન અનેક રોકાણો અને ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે. જેના પરિણામે ગુજરાતની સ્કિલ ઇકોસીસ્ટમમાં ધરખમ ફેરફારો આવ્યા છે.

મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના
વિકાસના નવા માર્ગ અને નોકરીઓના બદલાતા પ્રકારો માટે ગુજરાતના યુવાનોને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના (MBKVY) અમલમાં મૂકી. આ યોજના હેઠળ હેલ્થકેર, ઓટોમોટિવ, ગ્રીન જોબ્સ, IT-ITeS, ડ્રોન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, ટેલિકોમ વગેરે જેવા મુખ્ય ક્ષેત્રોમાં ૯૨ જેટલા નવા જમાનાના અભ્યાસક્રમોની તાલીમ આપવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩ હજારથી વધુ લોકોને MBKVY હેઠળ તાલીમ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિએટિવ (MSDI)
રાજ્યમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને એકીકૃત કરવા સરકારે મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિએટિવની જાહેરાત કરી હતી. MSDI નો પ્રાથમિક ઉદ્દેશ્ય રાજ્યના કૌશલ્ય માળખાનો મહત્તમ ઉપયોગ અને દર વર્ષે પાંચ લાખ ઉમેદવારોને તાલીમ આપવાનો છે. આ પ્રોગ્રામ અંતર્ગત ગતવર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યના વિવિધ વિભાગો દ્વારા ૫.૬૮ લાખથી વધુ યુવાનોને તાલીમ આપી કૌશલ્યવાન બનાવવામાં આવ્યા છે.
કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી (KSU)
ગુજરાતમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપનાથી શિક્ષણ અને રોજગારીના નવા યુગની શરૂઆત થઇ છે. કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણ વચ્ચે સેતુરૂપ કામગીરી KSU કરે છે. KSUમાં સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ, સ્કૂલ ઑફ સાયન્સ-મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલ ઑફ સર્વિસ, સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ, સ્કૂલ ઑફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ અને સ્કૂલ ઑફ ડ્રોન્સ એમ છ વિદ્યાશાખા હેઠળ ૧૦૦થી વધુ અભ્યાસક્રમો કાર્યરત છે. આ ઉપરાંત KSU એ ડ્રોન મંત્રા લેની પણ સ્થાપના કરી છે, જે ડ્રોન તાલીમ સાથે ડ્રોન ઉત્પાદનની તાલીમ આપે છે.
KSUની વિવિધ વિદ્યાશાખા હેઠળ હાલમાં 15000 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે અને ૯,૬૪૦ વિદ્યાર્થીઓ સર્ટિફાઈડ થયા છે. KSUએ વિવિધ ઉદ્યોગોગૃહો સાથે મજબૂત જોડાણો અને ભાગીદારી કરી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓને ઉદ્યોગની માંગ સાથે સુસંગત તાલીમ આપી શકાય. આવા પ્રયાસોના પરિણામે વિદ્યાર્થીઓને નોકરીની સારી સંભાવનાઓ મળી રહે છે.
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના ઔદ્યોગિક એકમો માટે તેમના કુશળ કારીગરોની માંગને સંતોષવા અને યુવાનોને ઔદ્યોગિક વાતાવરણમાં તાલીમ આપવાનો એક વિશેષ કાર્યક્રમ છે. રાજ્યના એપ્રેન્ટિસ પોર્ટલ પર ૩૨ હજારથી વધુ સંસ્થાઓની નોંધણી સાથે ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યના ૧,૨૧,૭૧૦ યુવાનોએ એપ્રેન્ટિસ તરીકે જોડાઈને ઔદ્યોગિક વાતાવરણમાં તાલીમ મેળવી છે.
પ્રોજેક્ટ સંકલ્પ
ગુજરાત સરકારના આ વિશેષ પ્રોજેક્ટ અંતર્ગત ઉદ્યોગગૃહો તેમની માંગ અને જરૂરિયાત મુજબની સ્કિલમાં યુવાનોને જાતે જ અને તેમના ઉદ્યોગના સ્થળે જ તાલીમ આપી શકે તે માટે સહાય આપે છે. જેથી ઉદ્યોગગૃહો ટ્રેઈનીંગ સેન્ટરની સ્થાપના કરીને તેમની જરૂરિયાત મુજબ તાલીમ આપી શકે. ગુજરાતમાં પ્રોજેક્ટ સંકલ્પ હેઠળ અત્યાર સુધીમાં આશરે ૩૧૦૦ ઉમેદવારોને ઉદ્યોગગૃહો દ્વારા તાલીમ અપાઈ છે.
સક્ષમ KVK ૨.૦
ગુજરાતના ગામડાઓ સુધી અને વંચિત જૂથોને પણ સરળતાથી વિવિધ કૌશલ્ય તાલીમો આપી કૌશલ્યવાન બનાવી શકાય તે માટે રાજ્ય સરકારે સક્ષમ કેવીકે ૨.૦ યોજના શરુ કરી હતી. જે અંતર્ગત મહિલા, ટ્રાન્સજેન્ડર, દિવ્યાંગ, વયોવૃદ્ધ અને વંચિત નાગરિકોના જૂથને એક સ્થળે તાલીમ આપી શકાય તે માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપના કરી તાલીમ આપવામાં આવે છે. રાજ્યમાં આજ સુધીમાં ૨૧૦૦ જેટલા નાગરિકોને આ યોજના હેઠળ તાલીમ અપાઈ છે.
આઈ.ટી.આઈ ખાતે સ્કિલિંગ
ગુજરાત પાસે દરેક તાલુકામાં એક ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) હોવાનો વિશેષ ફાયદો છે. હાલ ગુજરાતની કુલ ૫૫૮ ITI દર વર્ષે ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની ક્ષમતા ધરાવે છે. ITIમાં ૧૩૨ જેટલા ટ્રેડ્સમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. ITIના આ વ્યાપક નેટવર્કે તેની ૮૫ ટકા બેઠકો ભરીને આશરે ૧.૩૬ લાખથી વધુ તાલીમાર્થીઓ નોંધ્યા છે, જે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે.
મેગા આઈ.ટી.આઈ
ઉભરતી ટેક્નોલોજીમાં આગોતરી તાલીમ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ૪૧ નોડલ ITIને 'મેગા ITI' તરીકે વિકસાવવામાં આવી રહી છે. આ મેગા ITIમાં ૬ થી ૮ સેક્ટોરલ સેન્ટર્સ ઑફ એક્સેલન્સ હશે, જે ઉભરતી ટેક્નોલોજી અને અદ્યતન કૌશલ્યોની તાલીમ પ્રદાન કરશે. આ ઉપરાંત રાજ્યમાં સ્થાનિક રોજગારીની તકોને વેગ આપવા માટે જી.આઈ.ડી.સી એસ્ટેટમાં ઉદ્યોગો સાથે મળીને રાજ્ય સરકાર મીની આઈ.ટી.આઈ.ની પણ સ્થાપના કરી રહી છે.
ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (GATI)
ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (GATI) પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર ૪ સેન્ટર્સ ઑફ એક્સેલન્સ (CoEs) અને ૮ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રેઇનિંગ ઑફ ટ્રેનર્સ (iToTs) ની સ્થાપના કરશે. જેમાં કુશળ, અનુભવી અને પ્રશિક્ષિત ટ્રેનર્સનો સમૂહ બનાવવા માટે નવીન ટેકનોલોજી અનુરૂપ તાલીમ અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે. GATI હેઠળ આધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં માંગ આધારિત લાંબા અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો વિકસાવવામાં આવશે.
ઈન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI)
વિશ્વના સૌથી મોટા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ સેન્ટર સુરત ખાતે છેલ્લા ૪૪ વર્ષથી ઈન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI) કાર્યરત છે. જે દેશ-વિદેશમાં ડાયમંડ, જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં ટેક્નોલોજી અને નવીનતા સાથે અવિરતપણે સેવાઓ પ્રદાન કરે છે. આ ઈન્સ્ટીટ્યૂટ ખાતે ડાયમંડ, જેમોલોજી અને જ્વેલરીમાં પ્રોફેશનલ કોર્સ ચલાવવામાં આવે છે. સાથે જ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રના દરેક પહેલુનો સમાવેશ કરીને વિવિધ પ્રકારના શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમો પણ આપવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ટેકનોલોજીનો ઉપયોગ કરી મહત્તમ વ્યાવસાયિક જ્ઞાન પ્રદાન કરવાનો છે.
શિક્ષણ વિભાગ દ્વારા સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના
રાજ્યની યુવાપેઢીને કૌશલ્યવાન બનાવવા શિક્ષણ વિભાગ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકારી ડીગ્રી ઈજનેરી અને પોલિટેકનીક કોલેજો ખાતે રોબોટીક્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરીંગ અંતર્ગત થ્રીડી પ્રિન્ટીંગ, કોડીંગ, આર્ટીફીસીયલ ઇન્ટલીજન્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, સેમિકંડક્ટર ડીઝાઇન એન્ડ એડવાન્સ વેરીફીકેશન, સાયબર ફીઝીકલ સીસ્ટમ અને કલાઉડ સર્વિસીસ જેવી ન્યૂ એજ ટેકનોલોજીને અનુરૂપ કૌશલ્ય નિર્માણ માટે સેન્ટર ઓફ એકસેલન્સ સ્થાપવામાં આવશે. જેના થકી અંદાજે ૩૫ હજાર વિદ્યાર્થીઓને વૈશ્વિક હરીફાઈમાં અગ્રેસર બનાવવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા બે દશકા દરમિયાન દેશની સૌથી ઉત્તમ સ્કિલ ડેવલપમેન્ટ ઇકોસીસ્ટમનું નિર્માણ થયું છે. સાથે જ છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના યુવાનોને રોજગારી આપવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે. હરહંમેશ દરેક ક્ષેત્રે પ્રથમ રહેવાની ગુજરાતની આ પરંપરાને જાળવી રાખવા રાજ્ય સરકાર સમય અને ટેકનોલોજી આધારિત નવીન કૌશલ્ય નિર્માણ માટે વિવિધ પહેલ કરી રહી છે. અને મહદઅંશે રાજ્ય સરકાર તેમાં સફળ પણ રહી છે.












Click it and Unblock the Notifications
