AAP ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
AAP MLA Chaitar Vasava: નર્મદાની સ્થાનિક અદાલત દ્વારા આજ રોજ ડેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 18મી ડિસેમ્બરની બપોરે 12 કલાક સુધીના ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.
AAP નેતા ચૈતર વસાવાએ તેમના મતવિસ્તાર હેઠળના બોગાજ ગામમાં તેમના નિવાસસ્થાન પર છેડતી, હવામાં ગોળીબાર અને વન અધિકારીઓ પર હુમલો કરવાના કેસમાં એક મહિનાથી વધુ સમય સુધી ફરાર રહ્યા બાદ ગુરુવારના રોજ આત્મસમર્પણ કર્યું હતું. નર્મદા પોલીસ દ્વારા તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવ્યું હતી, પરંતુ કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

AAPના રાષ્ટ્રીય મહાસચિવ ગોપાલ ઇટાલિયાએ ડેડિયાપાડા કોર્ટમાં ચૈતર વસાવાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે પબ્લિક એડવોકેટ મૂકેશ ચૌહાણે સરકારની તરફેણમાં દલીલ કરી હતી. બંને વચ્ચે 30 મિનિટ સુધી દલીલો ચાલી હતી.
આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીઓને પોતાના ઘરે બોલાવવા, ધમકાવવા, હવામાં ગોળીબાર કરવા અને તેમની પાસેથી પૈસા પડાવવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ગુરુવારના રોજ આત્મસમર્પણ કરવામાં આવ્યું હતું.
ચૈતર વસાવાને ડેડિયાપાડાથી રાજપીપળા એલસીબીમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે, જ્યાં જિલ્લા એસપી અને પોલીસે મોડી રાત સુધી ચૈતર વસાવાની વિસ્તૃત પૂછપરછ કરી હતી. આ કેસમાં તેની પત્ની, અંગત મદદનીશ અને એક ખેડૂત સહિત ત્રણ આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં જેલમાં છે.












Click it and Unblock the Notifications
