પાટીદાર મહિલા નેતા જિગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાત રાજકારણમાં આમ આદમી પાર્ટી (AAP) પાટીદાર મતદારોને આકર્ષવા માટે સક્રિય બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં AAP દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયત પહેલાં પાર્ટીએ પાટીદાર સમાજના અગ્રણી મહિલા નેતા જિગીશા પટેલને પોતાના પક્ષમાં સામેલ કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
આ જોડાણથી AAP નું પાટીદાર સમર્થન વધુ મજબૂત બન્યું છે, કારણ કે પક્ષ પાસે પહેલેથી જ ગોપાલ ઇટાલિયા જેવા પ્રભાવશાળી પાટીદાર નેતા છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા પ્રભુ ફાર્મ ખાતે AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જિગીશા પટેલને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આવતીકાલે ગોંડલમાં એક રેલી યોજીને આ જોડાણની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

જિગીશા પટેલ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને કુર્મી સેનાના મહિલા અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે. અગાઉ તેમણે ગોંડલમાં અલ્પેશ કથીરિયા સાથે મળીને ગણેશ ગોંડલ સામે શક્તિ પ્રદર્શન કર્યું હતું, જે તેમની રાજકીય પકડ દર્શાવે છે.
ખેડૂતોના મુદ્દે ગુજરાતમાં યોજાનાર મહાસંમેલન માટે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પહોંચ્યા છે. હિરાસર એરપોર્ટ પર AAP ના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.
રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલ અને માને જણાવ્યું હતું કે, ૩૭ વર્ષ પહેલાં કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કરીને જે ભૂલ કરી હતી, તે જ ભૂલ ભાજપે અત્યારે કરી છે. તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટી ખેડૂતોનો અવાજ બનવા જઈ રહી છે. કેજરીવાલે ખેડૂતો પર ટિયરગેસ અને લાઠીચાર્જની ઘટનાને દુઃખદ ગણાવી.
પંજાબમાં પૂર પીડિતોને હજુ સુધી સહાય ન મળી હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે કડદા મામલે આંદોલન કરનારા નેતાઓ સામે ખોટી FIR કરીને તેમને જેલમાં ધકેલી દેવાયા છે. આવતીકાલનું મહાસંમેલન આ નેતાઓના સમર્થનમાં યોજાશે અને તેમણે ખેડૂતોને અન્યાય સામે અવાજ ઉઠાવવા AAP ને સાથ આપવા વિનંતી કરી.
રાજ્ય સરકારના નવા મંત્રીઓની ખેતરોની મુલાકાત પર કટાક્ષ કરતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ખેતરોમાં એવી રીતે ન જાવ કે ખેડૂતનું અપમાન થાય. તમને વાસ આવે તો તકલીફ, પગ બગડે તો તકલીફ. ખેડૂતોનું અપમાન ન કરો. આ નવા મંત્રીઓ નવ દિવસ સુધી ફરશે. જણાવી દઈએ કે,, કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચારના વિરોધમાં ભાગ લેશે.












Click it and Unblock the Notifications
