કોંગ્રેસ અને આપની લડાઇમાં ફાવશે ભાજપ?
કોંગ્રેસ અને આપની લડાઇમાં ફાવશે ભાજપ?
ગુજરાત રાજ્યની રાજકીય પરિસ્થિતિથી વાકેફ વાચકો જાણતાં હશે કે, ગુજરાતમાં ખાસ કરીને મુખ્ય રાજકીય ભૂમિકામાં ત્રીજો મોરચો સફળ થયો નથી. પરંતું, રાજનીતિમાં કોઇ સિદ્ધાંત કાયમી રહેતો નથી. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઝડપી સ્તરે જે રીતે ફેલાઇ રહી છે. તે હાલમાં સીધી રીતે હરિફ પક્ષ કોંગ્રેસને સીધું નુકસાન કરી રહી છે. જો, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉભરી આવે તો તે કોંગ્રેસના વોટમાં મોટી સેંધ મારી શકે છે.

ગુજરાતની રાજનીતિમાં અનેક રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા છે, કોઇ સ્વિકૃત નેતાગીરીના કારણે આંશિક સફળતા મેળવી પણ છે પરંતું, સત્તા પર ટકી શક્યા નથી. ભૂતકાળમાં કિસાન મજદૂર પક્ષ, સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ, જનતા દળ જેવા પક્ષ વિધાનસભામાં ડબલ ફીગરમાં સીટ મેળવવામાં સફળ થયા છે. ચીમનભાઇ પટેલ, બાબુ જશભાઇ પટેલ, દિલિપ પરીખ સહિત કેટલાક મુખ્યમંત્રી પદ સુધી પણ પહોંચી શક્યા છે. પરંતું, લાંબો સમય ટર્મ જાળવી શક્યા નથી.
ગુજરાતની જનતામાં બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ સતત એવું ઠસાવવાનો પ્રયાસ કરે છે કે, રાજ્યમાં ત્રીજો મોરચો સ્વિકાર્ય નથી. પરંતું, ખરેખર ઉલટું છે, રાજ્યમાં ત્રીજો મોરચો ઉભો કરે તેવી મજબુત નેતાગીરી ઉભી થઇ નથી. બે રાજકીય પક્ષો મતદારોમાં સતત ઠસાવવાનો પ્રયાસ કરે છે કે, રાજ્યમાં ત્રીજો મોરચો સફળ થતો નથી.
રાજકીય પરિસ્થિતિ પ્રમાણે હવે ગુજરાતમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ સતત ગુમાવી રહી છે, તો ભાજપ પણ લોકોની પસંદગી નહી પણ મજબૂરી બનતું જઇ રહ્યુ છે ત્યારે, ત્રીજા મોરચાનો ઉદય થવાની શક્યતા છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી જે રીતે ઉભરી રહી છે તે જોતાં તે કોંગ્રસના વોટ કે ભાજપથી અસંતુષ્ટ મતો અંકે કરી રાજકીય અપસેટ સર્જી શકે છે. જો, આમ આદમી પાર્ટી 12 ટકાથી વધુ મત હાંસલ કરે તો કોંગ્રેસની સત્તામાં આવવાની આશા ધ્વસ્ત થઇ શકે છે. આ રીતે, આમ આદમી પાર્ટીનો ઉદય કોંગ્રેસની લડાઇમાં ભાજપને આશિર્વાદરૂપ સાબિત થઇ શકે તો નવાઇ નહીં.












Click it and Unblock the Notifications
