અડાલજ નર્મદા કેનાલ હત્યા કેસના આરોપીનું એન્કાઉન્ટર, ઘટના સ્થળે જ મોત
ગાંધીનગર નજીક અડાલજ કેનાલ વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લૂંટ અને હત્યાના કેસના આરોપીને પોલીસ સાથેની અથડામણમાં ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે.
આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ આરોપીને ગુનાના સ્થળનું રી-કન્સ્ટ્રક્શન કરાવવા માટે લઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ આરોપીને હત્યાના સ્થળે તપાસના ભાગરૂપે લઈ ગઈ હતી. આ દરમિયાન, આરોપીએ પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન અટકતાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું.
પોલીસની ગોળી વાગવાથી આરોપી વિપુલનું સ્થળ પર જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા એન્કાઉન્ટર ગણાવવામાં આવી રહી છે.
મૃતક આરોપી વિપુલનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. પોલીસ સૂત્રો અનુસાર, તેના પર અગાઉ ૧૫થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે યુગલોને મોડી રાત્રે હેરાન કરતો અને તેમની સાથે દાદાગીરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તાજેતરમાં તેણે આ જ વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરી હતી, જેના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો અડાલજ કેનાલ સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.












Click it and Unblock the Notifications
