અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. કુઆલાલંપુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી લાખોની કિંમતનું ગેરકાયદેસર સોનું ઝડપી પાડવામાં આવ્યું છે.
કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ મહિલાને અટકાવવામાં આવી હતી. તે ગ્રીન ચેનલ પાર કરીને બહાર જવાની ફિરાકમાં હતી ત્યારે અધિકારીઓએ તેને શંકાના આધારે રોકી હતી.

પૂછપરછ દરમિયાન મહિલાના જવાબોમાં વિરોધાભાસ જણાતા અધિકારીઓએ તેની સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં તેના શરીરમાં છુપાવેલી કાળી ટેપમાં લપેટી બે શંકાસ્પદ કેપ્સ્યુલ્સ મળી આવી હતી.
આ કેપ્સ્યુલ્સમાં સોનાના મિશ્રણ વાળી પ્રવાહી કેમિકલ પેસ્ટ ભરેલી હતી જેનું વજન 643.28 ગ્રામ હતું. લેબોરેટરીમાં શુદ્ધિકરણ કર્યા બાદ તેમાંથી 553.07 ગ્રામ શુદ્ધ 24 કેરેટ સોનું પ્રાપ્ત થયું છે.
જપ્ત કરાયેલા આ સોનાની અંદાજિત બજાર કિંમત ₹83.29 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ સોના પર અંદાજે ₹75.58 લાખ જેટલી કસ્ટમ્સ ડ્યુટીની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ ગુનો નોંધીને મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને સોનું જપ્ત કરાયું છે. હાલ આંતરરાષ્ટ્રીય દાણચોરીના નેટવર્ક અંગે એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
