અમદાવાદના સ્મિત સંઘવીને ગૂગલની 93 લાખના પેકેજની ઓફર
અમદાવાદ, 23 સપ્ટેમ્બર : વર્તમાન સમયમાં આર્થિક મંદીનો દોર ચાલી રહ્યો હોવા છતાં અમદાવાદના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થીને અધધધ પગારની ઓફર ગૂગલ દ્વારા કરવામાં આવી છે. અમેરિકાની ગૂગલ કૉર્પોરેશને ગાંધીનગરમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નૉલૉજી (DAIICT)માં અભ્યાસ કરતા અમદાવાદના સ્મિત સંઘવી નામના વિદ્યાર્થીને વાર્ષિક 1.15 લાખ ડૉલર (અંદાજે 93 લાખ રૂપિયા) ઉપરાંત 125 સ્ટોક પોઇન્ટના પેકેજની જૉબ ઑફર કરી છે. માનવામાં આવે છે કે ગુજરાતમાં એન્જિનીયરિંગના વિદ્યાર્થીને થયેલી અત્યાર સુધીની સૌથી ઊંચા પગારની ઓફર છે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ગૂગલે દિલ્હી ટેક્નૉલૉજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હિમાંશુ જિંદલ નામના સ્ટુડન્ટને પણ આટલા જ વેતનની જૉબ ઑફર કરી હતી. ગૂગલ દ્વારા ગુજરાતના કોઈ સ્ટુડન્ટને કરાયેલી આ સૌથી મોટી જૉબ ઑફર માનવામાં આવે છે.

ફાઇનલ યરમાં ભણતા સંઘવીએ આ ઑફરને ડ્રીમ જૉબ ગણાવતાં કહ્યું હતું કે ઇન્ટરવ્યુ દરમ્યાન મને ટેક્નિકલ સવાલો પૂછવામાં આવ્યા હતા. જોકે ઇન્ટરવ્યુ લેનારાઓએ મને મારી સ્કિલ દર્શાવવાની તક પણ આપી હતી. સંઘવી કૅલિફૉર્નિયામાં આવેલા માઉન્ટેઇન વ્યૂ ખાતેના ગૂગલના હેડક્વૉર્ટરમાં કામ કરશે.
સ્મિતે જણાવ્યું કે તે ઓક્ટોબર 2014માં જૉબ જૉઇન કરશે. બાળપણથી જ ગણિતમાં અપાર રસ ધરાવતા સ્મિતે હવે જૉબ માટેની તૈયારીઓ કરવા પર ફોકસ કરવાનું નક્કી કર્યું છે. તેણે પોતાની સફળતા માટે પરિવાર ખાસ કરીને એન્જિનિયર મોટા ભાઈ અને ઇન્સ્ટિટ્યુટને શ્રેય આપ્યો હતો. DAIICTના જે 83 સ્ટુડન્ટ્સને જૉબ ઑફર મળી છે, જેમાં 19 સ્ટુડન્ટને વાર્ષિક 10 લાખ રૂપિયા કરતાં વધુ વેતનની જૉબ ઓફર થઈ છે.












Click it and Unblock the Notifications
