ગુજરાતના 360 બાળકોના હૃદય નબળા, શાળાઓમાં તપાસ દરમિયાન ખુલાસો
અમદાવાદ જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. વિધાનસભા સત્ર દરમિયાન રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, જિલ્લાના અંદાજે 360 બાળકોના હૃદય નબળા હોવાનું નિદાન થયું છે.
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ હાથ ધરાયેલી ચકાસણીમાં આ વિગતો બહાર આવી છે. વર્ષ 2024 થી 2026 દરમિયાન અલગ-અલગ તબક્કે વિદ્યાર્થીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા, જેમાં હૃદયની ખામીઓ જોવા મળી હતી.

સરકારી આંકડાઓ મુજબ, ફેબ્રુઆરી 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન 169 બાળકોમાં આ સમસ્યા જણાઈ હતી. જ્યારે ત્યારબાદના વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2026 સુધીમાં અન્ય 191 બાળકોના હૃદય નબળા હોવાનું સામે આવ્યું છે.
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે આ વિગતો આપી છે. હૃદયની તકલીફ ધરાવતા તમામ બાળકોને સરકાર દ્વારા જરૂરી અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
નોંધનીય છે કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લાના કુલ 1,15,949 જેટલા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ બાદ જરૂરિયાત મુજબના તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં રિફર કરીને સારવાર આપવામાં આવી છે.
માત્ર હૃદય જ નહીં, પરંતુ કેન્સર, કિડની અને પેટની ગંભીર બીમારીઓ માટે પણ બાળકોને મદદ મળી છે. આ ઉપરાંત કાન, નાક અને ગળાની તકલીફ ધરાવતા વિદ્યાર્થીઓની પણ નિઃશુલ્ક સારવાર સરકારે કરાવી છે.












Click it and Unblock the Notifications
