અમિત શાહે સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ અને કષ્ટભંજન દેવ ભોજનાલયના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શાહે આ તબક્કે પરિવાર સાથે કષ્ટભંજન હનુમાનજીના દર્શન પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા.

અમિતભાઈ શાહે આ પ્રસંગે સમગ્ર ગુજરાત અને દેશવાસીઓને હનુમાન જન્મોત્સવની તથા ભાજપા કાર્યકર્તાઓને ભાજપા સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ ગોપાલાનંદજી મહારાજના સતકર્મોના પરિણામે અને સેંકડો લોકોના જીવનમાં શાંતિ, શાતા અને કષ્ટ નિવારણ કરતા આ ધામમાં 30 ટનની પંચધાતુની હનુમાનજી મહારાજના શિલ્પના અનાવરણ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા અવસર આપવા બદલ સમગ્ર કષ્ટભંજન દેવ ટ્રસ્ટ અને વડતાલ ગાદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
શાહે કહ્યું હતું કે 150 થી પણ વધુ વર્ષોથી સત પરંપરા ધરાવતા આ સાળંગપુર ધામમાં દાદાના ચરણોમાં લોકોના દુઃખ અને કષ્ટોનું નિવારણ થઇ રહ્યું છે. તેઓએ કહ્યું હતું કે જ્યારે જ્યારે હું ધામમાં આવ્યો છું ત્યારે શાંતિ ઊર્જા અને ચેતના લઈને જ પરત ગયો છું. શ્રી ગોપાલાનંદ સ્વામીએ પોતાના સર્વ તપ, સેવા અને પુણ્યનો સરવાળો આ મૂર્તિમાં મૂકીને રાષ્ટ્ર અને લોક કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. તેઓ કહ્યું તો કે આ ધામને નવી ઊંચાઈએ લઈ જવા આચાર્યશ્રી રાકેશપ્રસાદજીના નેતૃત્વમાં જે પરિશ્રમ થયો છે તેનું આ પરિણામ છે.
શાહે દાદાના આશીર્વાદની સાથે સાથે ભાવિક ભક્તોને પ્રસાદ માટેની પણ ભવ્યવસ્થા ઊભી કરવા બદલ સર્વે ટ્રસ્ટીશ્રીઓ તેમજ વડતાલ ગાદીના આચાર્યશ્રીને સાધુવાદ પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે આજે હનુમાન જન્મોત્સવ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નો અદભુત સંયોગ સર્જાયો છે. 1980 માં આજના દિવસે જ મુંબઈમાં ભાજપાની સ્થાપના થઈ અને એ વખતે ઘણા લોકો ભાજપની મજાક ઉડાવતા હતા. ભાજપા ને મળેલી બે સીટો માટે રાજીવ ગાંધીજીએ કહ્યું હતું કે અમે બે અમારા બે. તેઓએ કહ્યું કે આજે દેશમાં 16 થી વધુ રાજ્યોમાં સરકાર સહિત 400 થી વધુ સાંસદો સાથે ભાજપા નાગરિકોના અને દેશના કલ્યાણ માટે "સેવા એ જ સંગઠન" ના ભાવથી કાર્ય કરી રહી છે. તેઓએ ગૌરવ વ્યક્ત કરતા કહ્યું કે આઝાદી પછી જ્યારે પણ ભાજપાનું શાસન આવ્યું ત્યારે અટલજીના અને બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ વિશ્વમાં હંમેશાં બુલંદ થયો છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2014 અને બાદમાં 2019 માં પૂર્ણ બહુમતી મળ્યા બાદ દેશની સુરક્ષા, અખંડિતતા અને દેશવાસીઓના કલ્યાણ માટે અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા.
શાહે ઉમેર્યું હતું કે 1950 થી ભાજપે કહ્યું હતું કે એક જ દેશમાં બે નિશાન બે પ્રધાન અને બે સંવિધાન ન હોઈ શકે અને તે બાબતની પૂર્તતા કરતા પાંચ ઓગસ્ટ 2019 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કલમનો એક જ ઝાટકે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35 એ નાબૂદ કરી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું અને દેશભરના રાષ્ટ્રપ્રેમી નાગરિકોના મનમાં સંતોષ થયો કે નરેન્દ્રભાઈ મોદીએ લોકોની આકાંક્ષાઓ પૂરી કરી. તેઓએ કહ્યું કે રામ મંદિરના નિર્માણ હેતુ લાખો લોકોએ, હજારો સંતોએ, યોદ્ધાઓએ પોતાના પ્રાણોની આહુત્તિ આપી. કોંગ્રેસે પણ રામ મંદિર નિર્માણ ન થાય તે માટે પ્રશ્નને લટકાવ્યો ભટકાવ્યો. પણ બાદમાં નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વચનપૂર્તિ કરતા રામ મંદિર શિલાન્યાસ કરી ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણનો માર્ગ પ્રશસ્ત કર્યો.
શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિ અને સંપ્રભુતાના વાહક તરીકે કાશી વિશ્વનાથ કોરીડોર, બદ્રીનાથ, કેદારધામ નવીનીકરણ,સોમનાથ સોનાનું મંદિર અને પાવાગઢમાં શક્તિપીઠની સ્થાપના જેવા અકલ્પનીય કાર્યો કોઈપણ જાતના સંશય વિના દ્રઢતાથી દેશની શાંતિ અને સલામતી જાળવી પૂર્ણ કર્યા. ઘણા લોકો 370 કલમની નાબૂદી વખતે તેમજ રામ મંદિરના નિર્માણ બાબતમાં કહેતા રહ્યા કે રમખાણો થશે, લોહીની નદીઓ વહેશે પરંતુ કોઈનો કાંકરીચાળો કરવાની પણ હિંમત ન થઈ.
શાહે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને મક્કમ મનોબળના કારણે જ સમગ્ર વિશ્વમાં યોગદિન મનાવવાની શરૂઆત થઈ. આ ઉપરાંત દેશ અને દુનિયાના લોકોની આંખો પહોળી થઈ જાય તેવું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ તેમજ શિવાજી મહારાજનું ઉતુંગ શિલ્પ જેવા કાર્યો પૂર્ણ થયા. આ ઉપરાંત ગંગાના શુદ્ધિકરણ માટે પણ છેલ્લા નવ વર્ષમાં કેન્દ્રની ભાજપા સરકારે ગુણાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું. તેઓ કહ્યું કે છેલ્લા હજારો વર્ષોથી દેશની સાંસ્કૃતિક ધરોહર સમાન અસંખ્ય મૂર્તિઓ વિશ્વમાં ચોરી થઈ ગયેલી જતી રહેલી તે પૈકીની 360 મૂર્તિઓ છેલ્લા નવ વર્ષમાં ફરીને તે જ મંદિરમાં કેન્દ્રની ભાજપા સરકારે પ્રસ્થાપિત કરી. ભારતીય ભાષાઓને ગૌરવ આપવાનું અને મજબૂતાઇ બક્ષવાનું કામ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું.
શાહે અંતમાં ગોપાલાનંદ સ્વામીજીના પુણ્યથી સિંચેલ વડતાલ સંપ્રદાયના મોક્ષના માર્ગ આગળ વધતા આ સાળંગપુર ધામમાં હનુમાનજી દાદાની ગગનચૂબી મૂર્તિના અનાવરણ તેમજ ભોજનાલય શુભારંભ માટે વડતાલ ગાદીપતિશ્રી સંતો, મહંતો ટ્રસ્ટીશ્રીઓને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.












Click it and Unblock the Notifications
