ગુજરાતમાં અનધિકૃત વિકાસને નિયમિત કરવા અપીલીય અધિકારીઓને નિયુક્ત કરાયા
ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત અધિનિયમ હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા અપીલીય અધિકારીશ્રીઓના કાર્યક્ષેત્ર નિયત કરવામાં આવ્યા છે.
જેમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકર તથા ટેકનિકલ એજ્યુકેશનના કમિશનર બંછાનીધિ પાનીને કાર્યક્ષેત્ર ફાળવવામાં આવ્યા છે.

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત અધિનિયમ, ૨૦૨૨ની કલમ-૧૨ હેઠળ રાકેશ શંકરને ઉત્તર અને મધ્ય ગુજરાત ઝોન તથા બંછાનીધિ પાનીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે.
રાકેશ શંકરને સોંપવામાં આવેલ કાર્યક્ષેત્ર ઉત્તર અને મધ્ય ગુજરાત ઝોનમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર તેમજ વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે.
બંછાનીધિ પાનીના કાર્યક્ષેત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.
અરજદારોએ અનધિકૃત વિકાસને નિયમિત કરવા અપીલીય અધિકારીઓને તેઓની કચેરીના સરનામે અરજી કરવાની રહેશે.
આમાં રાકેશ શંકરને બ્લોક નંબર ૭, ચોથો માળ, સામાન્ય વહિવટ વિભાગ, નવું સચિવાલય, ગાંધીનગર ખાતે તથા શ્રી બંછાનીધિ પાનીને બ્લોક નંબર ૨, ૬ઠ્ઠો માળ, ટેકનિકલ એજ્યુકેશન, કર્મયોગી ભવન, સેક્ટર- ૧૦એ, ગાંધીનગર ખાતે અરજી કરવાની રહેશે.












Click it and Unblock the Notifications
