ભાજપ માટે ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની છે. માટે જ અરુણ જેટલીને ગુજરાતના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. સાથે જ થાવર ચંદ ગહલોતને હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરને કર્ણાટકના ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં નિર્મલા સીતારમણ અને કર્ણાટકમાં પીયૂષ ગોયલને સહ ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ગુજરાતની ચૂંટણી માટે ભાજપના ચાર લોકોને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. નરેન્દ્ર સિંહ તોમર, નિર્મલા સીતારમણ, જિતેન્દ્ર સિંહ અને પી પી ચૌધરીના સહ પ્રભારીનું કામ ગુજરાત માટે સોંપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત ભાજપ માટે ગુજરાતની આ વખતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની છે. આ વખતે પણ જો ભાજપ જીતી જાય છે તો તે ગુજરાતમાં 20 વર્ષથી વધુ સત્તામાં રહેનારી પાર્ટી બની જશે. જો કે ગુજરાતમાં કોંગ્રેસ, પાટીદારો અને અન્ય મુદ્દો પણ તેમની સામે સકંટ બનીને ઊભા છે. પણ તેમ છતાં ભાજપ દ્વારા અત્યારથી જ ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.