ભુપેન્દ્ર પટેલે જુનાગઢ કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરી સ્થિતિનો તાગ મેળવ્યો
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ભરાયા છે તથા ગાડીઓ અને પશુઓ પાણીમાં તણાતા જોવા મળ્યા હતા. આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને સ્થિતી વિશે માહિતિ મેળવી હતી.
ભુપેન્દ્ર પટેલે જુનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિ નો તાગ મેળવ્યો હતો. જુનાગઢ શહેરમાં જ્યાં વધુ પાણી ભરાયાં છે ત્યાંના લોકો ને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે તેમજ પાણી ગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વગેરે પહોચાડવાની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ તેમજ રાહત કમિશનર આલોક પાંડે જોડાયા હતા.
જુનાગઢ કલેકટર અનિલ રાણા વસિયા તેમજ કમિશનર રાજેશ તન્ના પોલીસ અધિક્ષક તેજા એ સ્થાનિક તંત્ર એ કરેલી તત્કાલ અને સમયસરની કામગીરી ની માહિતી આપી હતી. જુનાગઢ શહેરમાં રાહત કામગીરી માટે NDRF અને SDRFની બે-બે ટીમો તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
જ્યાં વધુ પાણી ભરાયાં છે તેવા વિસ્તારમાંથી તાત્કાલિક પાણી ખાલી કરવા માટે રાજકોટ સહિત નજીકના શહેરોમાંથી ડી- વોટરિગ પંપ મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ગિરનાર પર્વત પરથી વધુ વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં કાળવા ચોક અને તેની આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાંથી જે લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમના માટે ફૂડ પેકેટ સહિત જરૂરી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક કલાકોથી શહેરમાં વરસાદ બંધ હોવાથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે એટલે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. ભુપેન્દ્ર પટેલે જૂનાગઢ સહિત ભારે વરસાદવાળા જિલ્લાઓમાં જરૂરી તમામ મદદની વહીવટી તંત્રને ખાતરી આપી હતી
જુનાગઢ કલેક્ટરે ભુપેન્દ્ર પટેલને વિગતો આપતાં કહ્યું હતું કે, જૂનાગઢમાં 10 ઇંચથી વધુ વરસાદ થવાને કારણે શહેરમાં પાણી ભરાયા છે. જેના કારણે તાત્કાલિક ધોરણે 200 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જ્યારે અગાઉથી અંદાજે 750 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ પાણી ભરાયા હોય તેવા વિસ્તારમાં વિતરણ માટે અંદાજે 20,000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
શહેરમાં અત્યારે પાણીની પરિસ્થિતિ નિયંત્રણમાં છે પણ જો રાત્રે વધુ વરસાદ આવે તો તેને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે. શહેરના 80 ટકા વિસ્તારોમાં વીજળી શરૂ થઈ ગઈ છે જ્યારે બાકીના વિસ્તારમાં બનતી ત્વરાએ વીજળી ચાલુ કરવામાં ટીમો સતત કાર્યરત છે.












Click it and Unblock the Notifications
