Biggest Cyclone : આ છે બિપોરજોય ચક્રવાતનું કારણ, જાણો પાંચ સૌથી મોટા વાવાઝોડા
Biggest Cyclone : દુનિયામાં દર વર્ષે ઘણા વાવાઝોડા આવે છે. જેમાંથી ઘણા વાવાઝોડા નબળા હોય છે, તો ઘણા ખતરનાક હોય છે. આ વચ્ચે ભારતમાં ઘણા વિસ્તારોમાં ચક્રવાતો આવી રહ્યા છે. જેમાં ગુજરાતમાં બિપોરજોય નામનું ચક્રવાત ત્રાટકવાનું છે. જે દરિયાકાંઠાના વિસ્તારમાં તબાહી મચાવશે.
બિપોરજોય વાવાઝોડાએ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે, અને તેની અસર પણ દેખાઈ રહી છે. ગુજરાત, મુંબઈ અને કેરળના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

આજે આ અહેવાલમાં જાણીશું કે, આ ચક્રવાતી તોફાનો શા માટે આવે છે? આ સાથે દુનિયાના પાંચ સૌથી ખતરનાક તોફાનો વિશે, જેમાં લાખો લોકોના મોત થયા હતા. અરબી સમુદ્ર સામાન્ય રીતે બંગાળની ખાડી કરતાં શાંત હોય છે.
આ જ કારણ છે કે, મોટાભાગના ચક્રવાતી તોફાનો બંગાળની ખાડીમાં બને છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનો બનવાનું પ્રમાણ વધ્યું છે અને તેની તીવ્રતા પણ વધી રહી છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજીના પર્યાવરણ વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલ કહે છે કે, અરબી સમુદ્ર ગરમ નથી થઈ રહ્યો, જ્યારે બંગાળની ખાડી ગરમ થઈ રહી છે.
રોક્સી મેથ્યુ કોલ કહે છે કે, જ્યારે બંગાળની ખાડીમાં દર વર્ષે બેથી ત્રણ ચક્રવાતી તોફાન આવતા હતા, ત્યારે અરબી સમુદ્રમાં એક પણ ચક્રવાતી તોફાન ન હતું, પરંતુ હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે. જેના કારણે અરબ સાગરમાં ચક્રવાત આવી રહ્યા છે અને તેની તીવ્રતા પણ વધુ છે.
બિપોરજોય જેવા તોફાનો હંમેશા મહાસાગરોના ગરમ વિસ્તારો પર રચાય છે, જ્યાં સરેરાશ તાપમાન 28 °C કરતાં વધુ હોય છે. દરિયાના પાણીના તાપમાનમાં વધારો થવાને કારણે તેની ઉપરની હવા ગરમ થાય છે. જ્યારે આ હવા ઉપરની તરફ જવા લાગે છે, ત્યારે તે જગ્યાએ ઓછા દબાણનો વિસ્તાર બનવા લાગે છે.
આ દબાણને ભરવા માટે નજીકની ઠંડી હવા નીચા દબાણવાળા વિસ્તાર તરફ જવાનું શરૂ કરે છે. ગરમ અને ઠંડી હવાના મિશ્રણથી તોફાન રચાય છે. આ ચક્રવાતને કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની પવનની ઝડપ 35 કિમી પ્રતિ કલાકથી 200 કિમી પ્રતિ કલાકથી વધુ હોઈ શકે છે.
આ છે દુનિયાના સૌથી પાંચ ખતરનાક ચક્રવાત
ભોલા ચક્રવાતી તોફાન - આ તોફાન વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં આવ્યું હતું. આ તોફાન ઘણું ખતરનાક હતું. તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે, આ તોફાનમાં લગભગ પાંચ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ વાવાઝોડું 8 નવેમ્બર, 1970ના રોજ બંગાળની ખાડીમાં શરૂ થયું હતું અને 12 નવેમ્બરના રોજ પૂર્વ પાકિસ્તાન પહોંચ્યું હતું. જે બાદ તોફાને તબાહી મચાવી દીધી હતી.
હુગલી નદીનું ચક્રવાત - આ વાવાઝોડાને કારણે લગભગ સાડા ત્રણ લાખ લોકોના મોત થયા હતા. આ વાવાઝોડાની ગણતરી ઈતિહાસના સૌથી ખતરનાક ચક્રવાતમાં થાય છે. વર્ષ 1737માં આવેલા આ તોફાને કલકત્તામાં ભારે તબાહી મચાવી હતી.
હેપોંગ ટાયફૂન - આ ચક્રવાત 27 સપ્ટેમ્બર, 1881ના રોજ વિયેતનામમાં ઉદ્દભવ્યું હતું, પરંતુ તે 8 ઓક્ટોબરના રોજ મોટા ભાગના વિનાશનું કારણ બન્યું હતું. જેના કારણે લગભગ ત્રણ લાખ લોકોના મોત થયા હતા.
કોરિંગા ચક્રવાત - આ વાવાઝોડું 25 નવેમ્બર, 1839ના રોજ ભારતના આંધ્ર પ્રદેશના કોરીંગામાં ત્રાટક્યું હતું. આ તોફાનના કારણે દરિયામાં 40 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જેના કારણે લગભગ 25 હજાર જહાજો નાશ પામ્યા હતા.
બાકરગંજ ચક્રવાત - બકરગંજ ચક્રવાતી વાવાઝોડાએ 29 ઓક્ટોબરથી 1 નવેમ્બર 1876 સુધી ભારે તબાહી મચાવી હતી. આ તોફાનમાં લગભગ બે લાખ લોકોના મોત થયા હતા. આ દરમિયાન પાણીની તેજ ગતિને કારણે અનેક લોકોના ઘરો ધોવાઈ ગયા હતા, જ્યારે અનેક લોકોને ભૂખમરાનો ભોગ બનવું પડ્યું હતું.












Click it and Unblock the Notifications
