ચાંદીપુરા વાયરસથી વધુ 5 બાળકોના મોત, બીજા 13 કેસ આવ્યા સામે, અત્યાર સુધી કૂલ શંકાસ્પદ મામલા 84
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 84 થઈ ગઈ છે, હાલમાં 9 કેસ પોઝિટિવ છે અને બાકીના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. ચાંદીપુરાથી વધુ પાંચ દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 32 થઈ ગયો છે.
રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 84 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, બનાસકાંઠામાંથી 2, સુરેન્દ્રનગર- ગાંધીનગર કોર્પોરેશન-ખેડા-મહેસાણા- નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાંથી 1-1 કેસ નોંધવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ચાંદીપુરાના શંકાસ્પદ કેસોનું પરીક્ષણ ગાંધીનગરમાં જ થવાનુ છે. જેના પરિણામે દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ તે ઝડપથી જાણી શકાશે. વળી, પંચમહાલમાં સૌથી વધુ 11, સાબરકાંઠામાં 8, અમદાવાદ શહેરમાં 6 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જો કે, આજે નવા પોઝિટિવ કેસ મળ્યા નથી. અરવલ્લી- મહેસાણામાંથી 2-2 જ્યારે ગાંધીનગર- પંચમહાલ, મોરબી, વડોદરામાંથી 1-1 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
રવિવારે બનાસકાંઠામાંથી 2 જ્યારે મહીસાગર-ખેડા-બનાસકાંઠા-વડોદરા શહેરમાંથી 1-1 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતના વાયરલ એન્કેફેલાઇટિસના 46 દર્દીઓ દાખલ છે અને 1 દર્દીને રજા અપાઈ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ 18729 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે. કુલ 1.16 લાખ કાચા ઘરમાં મેલિથિયન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે.
સુરતના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. પાલનપુરની બાળકીને પહેલા સરકારી અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ સ્થિતિમાં સુધારો ના થતાં અમદાવાદની સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. અત્યારસુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 6 બાળકોના મૃત્યુ થયા છે. હાલ સિવિલમાં બે બાળકો સારવાર હેઠળ છે. જેમાંથી એક બાળક હાલ વેન્ટિલેટર પર છે.












Click it and Unblock the Notifications
