ધરમપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસભા સંબોધી, આદિજાતી બેલ્ટમાં 4 નવી મેડિકલ કોલેજ બનશે
વલસાડ જિલ્લાના ધમરપુર ખાતે મુખ્યમંત્રીએ જનસભાને સંબોધી હતી. અહીં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે આયોજિત આ જનસભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગરીબ, વંચિત, આદિજાતિ, ગ્રામીણ લોકો સૌના સતત વિકાસ માટે સમર્પિત કેન્દ્ર સરકારે વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે.

અહીં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે સ્પષ્ટ ઈરાદાઓ, સાફ નિયત અને નેકીથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરી જનહિતલક્ષી યોજનાઓના સો ટકા લાભ આમજનતા સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. કોઈ પણ લાભાર્થી સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી ન જાય તેવા મક્કમ ઈરાદા સાથે સરકાર આગળ વધી રહી છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના અમલથી ગરીબોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સરકારી યોજનાઓનો લાભ ભૂતકાળમાં માત્ર ગણ્યાગાંઠ્યા લોકો સુધી જ પહોંચતો હતો, ત્યારે સરકાર આજે અંત્યોદયના સૂત્ર સાથે જન જનના હિતને પ્રાધાન્ય આપીને છેવાડાના માનવીના ઉત્થાન માટે કટિબદ્ધ છે.
સરકારની હકારાત્મક નીતિઓના કારણે આદિવાસી સમાજના સંતાનો ભણી ગણીને ડોકટર, એન્જિનિયર, પાયલોટ, ઉચ્ચ અધિકારી બની રહ્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ રાજ્યના આદિજાતિ બેલ્ટમાં ૬ મેડિકલ કોલેજો કાર્યરત છે ત્યારે આદિજાતિ સમાજના યુવા વિદ્યાર્થીઓને વધુ તકો મળી રહે એ માટે નવી ૪ મેડિકલ કોલેજોનું નિર્માણ કરવાનું જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં નવ વર્ષ પહેલાં ૮૨,૪૬૬ મેડિકલ સીટો હતી જે વધીને આજે નવ વર્ષના સુશાસનમાં ૧,૫૨,૧૨૯ થઈ છે. દેશમાં અગાઉ ૮ એઈમ્સ હતી, જેમાં નવ વર્ષમાં જ ૧૫ નવી એઈમ્સની ભેટ આપીને દેશમાં કુલ ૨૩ એઈમ્સ કાર્યરત છે. મુદ્રા યોજનામાં કુલ લાભાર્થીઓના અડધોઅડધ લાભાર્થીઓ એસસી, એસટી અને ઓબીસી. વર્ગના હોય છે.
તેમણે જણાવ્યુ કે, ગરીબ કલ્યાણ અન્ન યોજના વિતરણ કાર્યક્રમ પણ વિશ્વનો સૌથી મોટો ખોરાક વિતરણ કાર્યક્રમ બન્યો હોવાનું જણાવી કોરોનાકાળમાં ૮૦ કરોડથી વધુ ભારતીયોને મફત રાશન આપવા માટે સરકારી તિજોરી ખોલી નાંખી હતી. ભારતે વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ વિના મૂલ્યે હાથ ધરી.
મુખ્યમંત્રીએ સામાજિક ન્યાયને તુષ્ટિકરણથી દૂર કરીને સશક્તિકરણ તરફ લઈ જઈને વિકાસની નવી પરિભાષા તૈયાર કરવાનો શ્રેય પ્રધાનમંત્રીને આપ્યો અને કહ્યું કે, કેન્દ્ર સરકારના નવ વર્ષ ભારત માટે અભૂતપૂર્વ રહ્યાં છે, જ્યાં રાષ્ટ્રએ વિવિધ બેડીઓ તોડી નાખી છે અને જાતિવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણની રાજનીતિમાંથી વિકાસ, વૃદ્ધિ, એકતા અને રાષ્ટ્રવાદની રાજનીતિ તરફ આગળ વધ્યું છે.
તેમણે કહ્યું કે, આ નોંધપાત્ર સફર આપણા સમાજના છેવાડાના વર્ગો- ગરીબોથી લઈને પછાત વર્ગો, લઘુમતીઓ, આદિવાસીઓ અને દલિત વર્ગોથી લઈને મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણ દ્વારા લોકશાહીને તેના વાસ્તવિક અર્થમાં મજબૂત કરી છે.
આ પ્રસંગે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના નાગરિકોને મૂળભુત સુવિધાઓ અને યોજનાઓના લાભો આપી તેમના જીવનમાં ઉન્નતિનો નવો ઉજાસ પાથરવાનું કાર્ય આ સરકારે કર્યું છે. યુક્રેન રશિયા યુદ્ધમાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને પરત લાવવાનું સફળ ઓપરેશન કેન્દ્ર સરકારની રાજનીતિક કુનેહની સાબિતી પૂરી પાડે છે.












Click it and Unblock the Notifications
