CM ભુપેન્દ્ર પટેલે સુજલામ-સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરાવ્યો
૧૦૪ દિવસ ચાલનારા સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત લોકભાગીદારીથી નવા તળાવ- ચેકડેમોનું નિર્માણ ડિસિલ્ટીંગ–મરામત તેમજ નહેરો-કાંસની સફાઇના કાર્યો હાથ ધરાશે.
ગાંધીનગર : CM ભુપેન્દ્ર પટેલે સુજલામ-સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત લોકભાગીદારીથી નવા તળાવ- ચેકડેમોનું નિર્માણ ડિસિલ્ટીંગ-મરામત તેમજ નહેરો-કાંસની સફાઇના કાર્યો હાથ ધરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, લોક ભાગીદારી અને જન સહયોગથી PPP ધોરણે જળ સંચય અને જળ સંગ્રહનું આ અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ્ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામેથી કરાવ્યો હતો. અહીં ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, આ અભિયાનને મળી રહેલા પ્રતિસાદને માન આપી રાજ્ય સરકારે આ વર્ષે અભિયાન વધુ સમય ચાલુ રાખી ૧૦૪ દિવસનું રાખવાનો અભિગમ અપનાવ્યો છે. અહીં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે, જે કામો થાય છે તે સંપૂર્ણ ગુણવત્તાયુક્ત અને પારદર્શી ઢબે થાય. આ કામોને પરિણામે ખેડૂતો અને લોકોને સિંચાઇ અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થઈ છે.
મુખ્યમંત્રીએ આ જળ સંચય અને જળ સંગ્રહ અભિયાન વરસાદી પાણીને રોકવા અને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો એક સફળ પ્રયોગ બન્યો છે તે માટે આ અભિયાન સાથે સંકળાયેલ સૌને અભિનંદન આપ્યા હતા. તેમણે પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ માટે પણ કાળજી લેવા સૌને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જળસંચય અને જળસંગ્રહ સાથોસાથ પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજ, ખેત ઉત્પાદનોના વ્યાપક ઉપયોગથી સ્વાસ્થ્યપ્રદ અને રોગમુકત જીવનશૈલીની પણ હિમાયત કરી હતી.
અહીં ભુપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, જળ સંચયને વેગ આપતા દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણનું આહવાન કર્યું છે. ગુજરાતમાં આવા અમૃત સરોવર બનાવીને જળ સંગ્રહ, જળ સંચય ક્ષેત્રે દેશનું દિશાદર્શક બને તે માટે આ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ઉદ્દીપક બનશે તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલે અહીં માહિતી આપતા જણાવ્યુ કે, વર્ષ ૨૦૧૮થી સમગ્ર રાજયમાં આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન થકી વરસાદી સપાટી જળનો મહત્તમ સંગ્રહ કરીને ભુગર્ભ જળના સ્તરને ઉંચા લાવવાનો છે. તેમજ લોકોમાં પાણી બચાવવાની જાગૃત્તિને અનોખી રીતે સાંકળી લેવામાં આવી છે. ગત વર્ષ- ૨૦૨૨માં આ અભિયાન થકી ૮૪૫૦ કામો કરવામાં આવ્યા હતા. તેની સાથે ૫૨૨૭ મનરેગા હેઠળ અને વિભાગીય રીતે ૪,૧૩૪ કામો મળીને કુલ-૧૭,૮૧૧ કામો હાથ ધરવામાં આવ્યા હતા.
સુજલામ સુફલામ્ જળ અભિયાનની સફળતાથી રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૭૪,૫૦૯ કામો હાથ ધરીને જળ સંગ્રહ ક્ષમતામાં ૮૬,૧૯૬ લાખ ઘનફૂટનો વધારો થયો છે. ૫૬,૭૭૮ કિલોમીટર લંબાઈમાં નહેરો તેમજ કાંસના સફાઈ કામો વ્યાપક પણે હાથ ધરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
