CM ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં આપી પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ
Gujarat budget 2025: ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. ડૉ. મનમોહન સિંહ અને પૂર્વ દિવંગત સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
15મી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર બુધવાર 19 ફેબ્રુઆરીથી શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. ડૉ. મનમોહન સિંહજી, ગુજરાત વિધાનસભાના વિદ્યમાન સભ્ય સ્વ. કરશનભાઇ પુંજાભાઇ સોલંકી, ગુજરાત વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ સ્વ. શંભુજી ચેલાજી ઠાકોર તથા ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યો સ્વ. નેમજીભાઇ ખીમજીભાઇ કેનીયા અને સ્વ. કમલેશભાઇ ગોવિંદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડૉ. મનમોહન સિંહએ દેશના નાણાંપ્રધાન તરીકે આર્થિક નીતિઓ-સુધારામાં આપેલા યોગદાનની સરાહના કરી હતી.
તેમણે સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યોની જાગતિક જનપ્રતિનિધિ તરીકેની સેવાઓને બિરદાવીને સૌ દિવંગત આત્માઓની પરમ શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીઓ તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યોએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં જોડાઈને સૌ દિવંગત પૂર્વ સભ્યોને ભાવાંજલિ આપી હતી.
સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યશ્રીઓના અવસાન અંગે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.












Click it and Unblock the Notifications
