CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવા વર્ષની ભેટ, વિરમગામમાં 497 કરોડના વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત
Viramgam: વર્ષ 2026ના મંગલ પ્રારંભે જ CM ભૂપેન્દ્ર પટેલે વિરમગામ વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિકાસકાર્યોની મોટી ભેટ આપી છે. CMએ વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકા માટે કુલ ₹497 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરી રાજ્યની પ્રગતિને વેગ આપ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઓટો હબ અને SIR તરીકે વિરમગામની નવી ઓળખ
જનમેદનીને સંબોધતા CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના દ્રષ્ટિબિંદુને કારણે એક સમયે પછાત ગણાતો આ વિસ્તાર આજે માંડલ-બેચરાજી SIR અને ગ્લોબલ ઓટો હબ તરીકે વિશ્વના નકશા પર ઉભરી આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, 'ડબલ એન્જિન' સરકારની કાર્યક્ષમતાને કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે અને જનતા હવે માત્ર 'વિકાસની રાજનીતિ'ને જ સ્વીકારી રહી છે.
પ્રોજેક્ટની મુખ્ય હાઈલાઈટ્સ
- ટ્રાફિકમાંથી મુક્તિ: કોકતા ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનવાથી આસપાસના 1 લાખ જેટલા નાગરિકોને વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાથી કાયમી છુટકારો મળશે.
- રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: માંડલ-બેચરાજી SIR માટે છેલ્લા 3 વર્ષમાં ₹488 કરોડના કામો પૂર્ણ થયા છે, જે ઔદ્યોગિક પરિવહનને વધુ સરળ બનાવશે.
- નમો શક્તિ એક્સપ્રેસ-વે: રાજ્યમાં હાઈસ્પીડ કનેક્ટિવિટી માટે સરકાર ₹10,000 કરોડના ખર્ચે નવા કોરિડોર બનાવી રહી છે.
છેલ્લા 3 વર્ષમાં ₹2500 કરોડના કામો
સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલે CMનો આભાર માનતા જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષમાં વિરમગામ મતવિસ્તારને ₹2500 કરોડથી વધુના વિકાસકામોની ફાળવણી કરવામાં આવી છે. આ રસ્તાઓ અને બ્રિજ બનવાથી માત્ર સ્થાનિકોને જ નહીં, પરંતુ શંખેશ્વર અને બેચરાજી જતાં હજારો શ્રદ્ધાળુઓને પણ મોટી સુવિધા મળશે.
સામાજિક અને સ્વાસ્થ્ય પહેલ
વિકાસકાર્યોની સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે 'સુપોષિત ગુજરાત અભિયાન' અંતર્ગત આંગણવાડી કાર્યકરોને મિલેટ બાસ્કેટ (પોષણયુક્ત આહાર) એનાયત કરવામાં આવી હતી. CMએ ઔદ્યોગિક વિકાસની સાથે નાગરિકોને 'સ્વચ્છતા'ને પોતાની દૈનિક જીવનશૈલી બનાવવાની ખાસ અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
