CM ભૂપેન્દ્ર પટેલે કર્યું એલાયન્સ ઇન્ડસ યુએસ-ઇન્ડિયા કોર્પોરેટ ગવર્મેન્ટ સમિટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
Alliance Indus US-India Corporate Government Summit : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાન ફ્રાન્સિસસ્કો કેલિફોર્નિયામાં આયોજિત એલાયન્સ ઇન્ડસ યુએસ-ઇન્ડિયા કોર્પોરેટ ગવર્મેન્ટ સમિટનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશીપમાં ગુજરાત યોગ્ય નિતિ નિર્ધારણ અને ગુડ ગવર્નન્સ દ્વારા ભારતનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ છે તથા રાજ્ય સરકાર ઇન્ડસ્ટ્રીઝ, ગ્રીન એનર્જી અને તે માટેની ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે.

ભારત સરકારના આયુષ વિભાગના મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, અમેરિકન કોંગ્રેસના સદસ્યો, કેલિફોર્નિયા સ્ટેટ કેબિનેટના સભ્યો, ડિપ્લોમેટિક મિશન અને કોન્સ્યુલેટ જનરલ ઇન્ડિયાના પ્રતિનિધિઓ તેમજ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ આ સમિટમાં જોડાયા હતા.
આ સમિટનાં ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિવિધ ક્ષેત્રની ઉલ્લેખનીય સિદ્ધિઓનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. ભારતના એક્સપોર્ટમાં ગુજરાતનું યોગદાન તેમજ રાજ્યનો મજબૂત આર્થિક વિકાસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટનો ચિતાર તેમણે આપ્યો હતો.
દેશના GDPમાં ગુજરાતનું યોગદાન 8 ટકા અને ઈન્ડમસ્ટ્રીયલ આઉટપુટમાં 18 ટકા રહ્યું છે તેની પણ ભૂમિકા તેમણે આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી સમયમાં જાહેર થનારી સોલાર એનર્જી પોલિસીની વાત કરી હતી, અને હાઇડ્રોજન એનર્જી ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવા માટેનો રોડ મેપ વર્ણવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત અને અમેરિકાના ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ સંબંધોને વધુ મજબૂત કરવા આગામી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024માં સહભાગી થવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી બે દાયકા પહેલાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવામાં મહત્વપૂર્ણ બની છે. આ સમિટની 10મી કડી આગામી જાન્યુઆરી 2024 માં યોજાય તેમાં એલાયન્સ ઇન્ડસનું ડેલીગેશન ભાગ લેવા આવશે તો બે રાષ્ટ્રો વચ્ચે વેપાર, ઉદ્યોગ અને રોકાણના સંબંધો વધુ સુદ્રઢ બનશે.
મુખ્યમંત્રી પટેલે સોલાર એનર્જી સેક્ટરની અગ્રણી કંપની નેક્સ્ટ ટ્રેકરના સીઈઓ ડેન સુગરને વિશેષ સન્મામન પારિતોષિક અર્પણ થવા અંગે અભિનંદન પાઠવ્યા હતા. નેક્સ્ટ ટ્રેકર કંપનીએ ભારતમાં પોતાના વ્યાપારની વૃદ્ધિ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
હેમેક્સ હેલ્થના CEO પટ્ટી વાઈટે સિકલ સેલ ડાયગ્નોસીસ પર વિશેષ ભાર આપ્યો હતો. આ સાથે જ ભારતમાં તેમની કંપનીની ઉત્પાદન પ્રવૃત્તિને વેગ આપવાની પણ ખાતરી આપી હતી. ગુજરાતમાં મૂડીરોકાણની ઉજ્જવળ તકોને જોતા ગ્લોબલ ફંડ્સ કંપનીએ રાજ્યમાં તેમના એંગેજમેન્ટ્સમાં વૃદ્ધિ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અમેરિકન કોંગ્રેસના સદસ્યો તેમજ અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીને આગળ ધપાવાના અલાયન્સ ઇન્ડસ મંચના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ભારત, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ અને આફ્રિકન દેશોના આર્થિક વિકાસને ગતિ આપવા તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટને સાકાર કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીના વિનિયોગ કરવા પર આ સમિટ દરમિયાન વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ સમિટમાં સિલિકોન વેલી અને ઇમર્જીંગ માર્કેટ વચ્ચેના સહયોગના મહત્વ પર ભાર મૂકાયો હતો. સરહદ પારના સંબંધોને મજબૂત કરવા માટે યોગદાન આપ્યું છે, તેવા વ્યાપારીઓ અને સરકારના પ્રતિનિધિઓનું આ અવસરે અભિવાદન કરવામાં આવ્યું હતું.
કેટાલિસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના - CEO એન્ડ્રુ રોટેગર, એક્વેટેકના ચેરમેન વેન્કી શર્મા, યુએસ એક્ઝિમ ચેર સલાહકાર સમિતિના સભ્ય નાવા અક્કીનેની, અમારા રાજા ગ્રુપના ફાઉન્ડર ચેરમેન ડૉ. ગલ્લા રામચંદ્ર નાયડુ, વરી ગ્રુપના ચેરમેન ડૉ. હિતેશ દોશી, ડાટા વોલ્ટના CEO રજીત નંદા, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી ગ્રુપના અમિત જૈન વગેરેને આ અવસરે પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.












Click it and Unblock the Notifications
