ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સ-2023નો મુખ્યમંત્રી પ્રારંભ કરાવ્યો
ગાંધીનગર ખાતે યોજાઈ રહેલા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સ-2023નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે. અહીં મુખ્યમંત્રીએ હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવાનું આહવાન કર્યું.
ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો, બિલ્ડીંગ સામગ્રીના મશીન તથા માઈનીંગ મશીન્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિવિધ 500 જેટલી પ્રોડક્ટસ સાથે આ પ્રદર્શનમાં 300થી વધુ પાર્ટિસિપન્ટસ જોડાયા છે.

મુખ્યમંત્રીએ આ પ્રદર્શન પ્રારંભ સાથે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની કોફી ટેબલ બુકનું વિમોચન તથા પાંચ વ્યક્તિઓને એક્સલન્સ ઈન કન્સ્ટ્રક્શન સેક્ટરનાં અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હવેના સમયની આવશ્યક જરૂરિયાત ગણાવતાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટમાં પણ આ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. વડાપ્રધાને કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈઓ કરી છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિત સર્વાંગી વિકાસ માટે બજેટમાં સતત વધારો કર્યો છે. ૧૯૯૫માં રાજ્યનું બજેટ ૧૨ હજાર કરોડનું હતું, તે આ વર્ષે ૩ લાખ કરોડ જેટલી માતબર રકમ સાથેનું ઐતિહાસિક બજેટ થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વિકાસના પાંચ સ્તંભમાંનો એક અગત્યનો સ્તંભ ગણી રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ માટે પાંચ લાખ કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આયોજન કર્યું હોવાનું જણાવ્યુ.
આરોગ્ય અને ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે સંબોધનમાં જણાવ્યું કે, માનવજાતની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ સુધી બાંધકામ પ્રવૃત્તિ પણ સતત વિકસતી રહી છે. પ્રાચીન સમયમાં ઇજિપ્તના પિરામિડ, તાજમહાલ, પર્વતો પરના મંદિરો, દેરાસરો એવા અનેક અદ્વિતીય બાંધકામ માનવજાતના કૌશલ્યનો પરિચય આપે છે.
તેમણે ઉમેર્યું કે, આ ૨૧મી સદી જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે ત્યારે બાંધકામ ક્ષેત્રે અધ્યતન મશીનરીના ઉપયોગથી ઝડપી અને ગુણવત્તાયુક્ત કામ નીતિ અને નિયતિ બેયના સંગમથી થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
